Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મધ્યપ્રદેશમાં કોવીડ -૧૯ ટીમનાં IAS અધિકારીને કોરોના પોઝિટિવઃ અધિકારી લોબીમાં ખળભળાટ

તેઓ સ્વાસ્થ્ય વિભાગના ૧૨૬ જેટલા કર્મચારીઓના સીધા સંપર્કમાં આવ્યા હતા

ભોપાલ : કોરોના વાયરસ સામેના જંગમાં મહત્વની કામગીરી કરી રહેલા મધ્ય પ્રદેશ સરકારના એક યુવાન આઈએએસ અધિકારીનો કોરોનોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે જ વહિવટી તંત્રની ઊંદ્ય ઊડી ગઈ છે અને હવે આ અધિકારી કોના-કોના સંપર્કમાં આવ્યા હતા તેની શોધ શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં રાજયના કેટલાક ટોચના અને અનુભવી અધિકારીઓના નામ પણ આવી શકે છે.

શુક્રવારે સાંજ સુધીમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્ટાફના ૧૨૦ લોકોના નમૂના લેવામાં આવ્યા છે અને તેને કોવિડ-૧૯ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ૨૦૧૧ના બેચના અધિકારી વર્કોહોલિક તરીકે જાણીતા છે અને બુધવારથી તેઓ ફરજ પર હાજર હતા અને હેલ્થ ડિપાર્ટમેન્ટની કોવિડ-૧૯ ટીમની તમામ બેઠકોમાં ભાગ લીધો હતો. સૂત્રોનું કહેવું છે કે તેઓ સ્વાસ્થ્ય વિભાગના ૧૨૬ જેટલા કર્મચારીઓના સીધા સંપર્કમાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ અધિકારીઓને ઓફિસ આવવાની ના પાડી દીધી છે.આ અધિકારી ડોકટર પણ છે અને ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત સારી ન હતી અને ગુરૂવારે રાત્રે તેમનો પ્રથમ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

(2:10 pm IST)