Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ઇસ્કોન મંદિરમાં એકત્ર થયેલ ૨૧ શ્રધ્ધાળુઓને કોરોના પોઝીટીવ

હજારો લોકો એકત્ર થયેલઃ બોરિશ જહોન્સનના આદેશ પૂર્વે મેળાવડો થયાનો બચાવ કરતા ઇસ્કોનના હોદેદારો

લંડન, તા.૬: ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સીયસનેસ (ઇસ્કો), યુનાઇટેડ કિંગડમે જાહેર કર્યુ છે કે ભકિત વેદાંત મનોર-મંદિરના પ્રમુખ શ્રુતિ ધર્મદાસના ૧૨ તારીખે અંતિમ સંસ્કાર અને ૧૫ માર્ચે તેમની યાદ માટેના કાર્યક્રમમાં ભાગ લેનારા શ્રધ્ધાળુઓમાંથી ૨૧ને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઉલ્લેખનિય છે કે આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

બ્રિટનમાં ઇસ્કોનના ૧૦૦ શ્રધ્ધાળુઓને કોરોના વાયરસ થયો હોવાના દાવાને પડકારતો એક રીપોર્ટ ઇસ્કોન ન્યુઝમાં પ્રકાશિત કરનાર માધવ સ્મુલને ઇસ્કોનના પદાધિકારી પ્રઘોષા દાસને ટાંકતા લખ્યું છે કે ઇન્ટરનેટમાં છાના ખૂણે અવું કહેવાઇ રહ્યું છે કે મંદિર મેનેજમેન્ટ બેજવાબદાર હતું. આા બાબતે તેમણે કહ્યું છે કે આ સમગ્ર બાબતમાં તારીખો બહુ મહત્વની છે. અંતિમ ક્રિયા અને સ્મૃતિસભા ૧૨ અને ૧૫ માર્ચે હતી. જયારે બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોન્સને લોકોને ઘરમાં રહેવાનો આદેશ ૨૩ માર્ચે આપ્યો હતો.

આટલેથી ન અટકતા દાસ જણાવે છે કે સોશ્યલ ડીસ્ટન્સીંગના દિશા નિર્દેશો અનુસાર વ્યકિતઓ વચ્ચે બે મીટરનું અંતર હોવુ જોઇએ જે હજુ પણ બ્રિટનમાં જાહેર નથી કરવામાં આવ્યું ન તો એક જ બિલ્ડીંગમાં કેટલા લોકોએ ભેગા થવું તેની મર્યાદા નકકી કરવામાં આવી છે. જયારે ઇટલી, સ્પેન અને ફ્રાંસ જેવા અન્ય દેશોએ આવા પ્રતિબંધો સમય અમલી બનાવ્યા હતા પણ બ્રિટને હજુ લાગુ નથી કર્યા.

(2:09 pm IST)