Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમેરિકામાં કોરોના ૧ દિવસમાં ૧૨૦૦થી વધુ લોકોને ભરખી ગયોઃ મૃત્યુઆંક ૯૬૦૦

સુપરપાવર વાયરસ સામે લડવા બેબસઃ ૩ લાખથી વધુ પોઝીટીવ કેસ

વોશિંગટન, તા.૬: કોરોના વાયરસનો કહેર દરેક પસાર થતા દિવસમાં પોતાની અસર વિશ્વભરમાં ફેલાવી રહ્યો છે. વિશ્વમાં ૧૦ લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. જયારે ૭૦ હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. આ મહામારીની ઝપેટમાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે, જયાં છેલ્લી ૨૪ કલાકમાં આ વાયરસથી ૧૨૦૦ મોત નોંધાયા છે.

વિશ્વના સૌથી શકિતશાળી દેશમાં કોરોના વાયરસના કહેરના કારણે બધુ ઠપ પડી ગયું છે. જોન હોપકિંગ્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસની ઝપેટમાં ૩ લાખથી વધુ લોકો આવી ચુકયા છે. જયારે ૯૬૦૦ લોકોના મોત થયા છે.

અમેરિકામાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને હવે આ આંકડો ૯/૧૧ આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોથી ત્રણ ગણો વધી ગયો છે.

અહીં સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક શહેર અને સ્ટેટ છે, જયાં પર અમેરિકાના કુલ કેસની અડધી સંખ્યા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧ લાખ ૨૦ હજારથી વધુ પોઝિટિવ મામલા સામે આવ્યા છે, જયારે ૪ હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલની સ્થિતિને જોતા ૩૦ દિવસ માટે નો વર્કના ઓર્ડરને વધારી દીધો છે. આ દરમિયાન લોકોને વધુમાં વધુ ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે, કોઈ જાહેર જગ્યા કે ઘરની બહાર નિકળવાની ના પાડવામાં આવી છે. પરંતુ અમેરિકામાં લોકડાઉન સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું નથી, જેનું નુકસાન તેણે ભોગવવું પડી રહ્યું છે.

બે દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના મુદ્દા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ કોરોના મહામારીનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. સાથે ટ્રમ્પે દવાઓને લઈને ભારતની મદદ માગી હતી. જેના પર પીએમ મોદીએ તેમને મદદનું આશ્વાસન આપ્યું હતું.

(3:32 pm IST)