Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

વર્ધામાં વડાપ્રધાન મોદીના ભાષણની કોંગ્રેસે નોંધાવી ફરિયાદ:ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ

વાયનાડથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણય પર ટિપ્પણી કરી હતી.: મોદીનું ભાષણ નફરત ફેલાવનારુ અને વિભાજનકારીહોવાનો આરોપ

મુંબઈ :ચૂંટણી કમિશને મહારાષ્ટ્રના વર્ધામાં વડાપ્રધાન મોદી દ્વારા અપાયેલા ભાષણ વિશે મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીઓ પાસે તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. કોંગ્રેસે પીએમ મોદીના વર્ધામાં અપાયેલા ભાષણ પર ચૂંટણી કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચૂંટણી કમિશનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસને આરોપ છે કે પીએમ મોદીએ વાયનાડથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના નિર્ણય પર ટિપ્પણી કરી હતી.કોંગ્રેસે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે પીએમ મોદીનું ભાષણ નફરત ફેલાવનારુ અને વિભાજનકારી છે.

 સૂત્રો મુજબ કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી કમિશને મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. લોકસભા ચૂટણી માટે પ્રચારમાં લાગેલા પીએમ મોદી એક એપ્રિલના રોજ મહારાષ્ટ્રના વર્ધામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે દેશના કરોડો લોકો પર હિંદુ આતંકવાદનો ડાઘ લગાવવા અને હિંદુઓને અપમાનિત કરવાનું પાપ કર્યુ છે. તેમણે કહ્યુ કે જેને કોંગ્રેસે આતંકવાદી કહ્યા હતા તે હવે જાગી ચૂક્યા છે એટલા માટે કોંગ્રેસના નેતા મેજોરિટીથી ભાગીને માઈનોરિટીવાળી સીટમાં શરણ લેવા માટે મજબૂર બની ગયા છે.

  પીએમ મોદીએ કહ્યુ હતુ, 'આપણી 5 હજાર વર્ષથી પણ વધુ જૂની સંસ્કૃતિને બદનામ કરવાનું પાપ કોંગ્રેસે કર્યુ છે. હિંદુ આતંકવાદ શબ્દ કોણ લાવ્યુ તમારે એ ધ્યાન રાખવાનું છે. તમે મને બતાવો કે જ્યારે તમે હિંદુ આતંકવાદ શબ્દ સાંભળ્યો ત્યારે તમને ઉંડો ઘા લાગ્યો હતો કે નહિ. હજારો વર્ષોના ઈતિહાસમાં હિંદુ ક્યારેય આતંકવાદ કરે એવી એક પણ ઘટના નથી. અંગ્રેજી ઈતિહાસકારઓએ પણ ક્યારેય હિંદુ હિંસક હોઈ શકે છે એ વાતનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો.'

(10:57 am IST)