Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી કૌભાંડ મામલે રાજકારણમાં ગરમાવો :કેન્દ્રીય મંત્રીએ કર્યો સીએમ ગેહલોત પર માનહાનિનો કેસ

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેસ દાખલ કર્યા બાદ કહ્યું કે લગભગ ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રીએ અનેક વખત મારું નામ એક એવી કો-ઓપરેટિવ સોસાયટી સાથે જોડીને ચરિત્ર હનન કરવાનો પ્રયાસ કર્યો

નવી દિલ્હીઃ સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી કૌભાંડ મામલે રાજસ્થાનનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યના મુખ્ય પ્રધાનઅશોક ગેહલોત સામસામે આવી ગયા છે. આમામલાને લઈને ગજેન્દ્રસિંહે મુખ્યમંત્રી અશોક ગેહલોત  વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તે પછી ફરીથી બન્ને નેતાઓ સામસામે આવી ગયા છે

 કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેસ દાખલ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લગભગ ત્રણ વર્ષ સુધી CMએ અનેક વખત મારું નામ એક એવી કો-ઓપરેટિવ સોસાયટી સાથે જોડીને ચરિત્ર હનન કરવાનો પ્રયાસ કર્યો છે. મારા પરિવારની કોઈ પણ વ્યક્તિ તેમાં પ્રાથમિક સભ્ય, ડિપોઝીટર વગેરે નથી. તેમણે જોધપુરમાં મને આ કેસમાં આરોપી બનાવ્યો છે. તેમણે માત્ર મારા ચરિત્ર હનનની કોશિશ કરી નથી પરંતુ, મારી દિવંગત માતાને પણ આરોપી બનાવી છે તેને પગલે મેં કલમ 500 હેઠલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

કેન્દ્રીય મંત્રીના આક્ષેપો પર વળતો પ્રહાર કરતાં CM ગેહલોતે કહ્યું કે તેમના (ગજેન્દ્રસિંહ શેખાવત) ના માનહાનિ કેસનું અમે સ્વાગત કરીશું. ઓછામાં ઓછું આ બહાને કેસ તો આગળ ચાલશે. જે 2-3 લાખ ગરીબોના નાણાં ડૂબ્યા છે તેમના નાણાં ક્યાં ગયા ? તે પોતે ગુનેગાર છે, તેમના પત્ની, સાળો, પિતાજી અને માતાજીના નામ છે. તેમને શરમ આવવી જોઈતી હતી, મંત્રી બન્યા પછી તેમણે આગળ આવીને લોકો સાથે વાત કરવી જોઈતી હતી.આ કેસ આગળ વધશે તો ગરીબોનો આ મુદ્દો રાષ્ટ્રીય બનશે. આ વાત PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચે તેમ હું ઈચ્છું છું.

 

(11:28 pm IST)