Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પાકિસ્‍તાન : બલુચિસ્‍તાનમાં બ્‍લાસ્‍ટ : ૯ના મોત

ઇસ્‍લામાબાદ તા. ૬ : પાકિસ્‍તાનમાં વધુ એક આતંકી હુમલાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્‍તાનના બલુચિસ્‍તાન પ્રાંતમાં થયેલા બ્‍લાસ્‍ટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા છે. આ હુમલો સોમવારે બલૂચિસ્‍તાનના બોલાન વિસ્‍તારમાં થયો હતો. પાકિસ્‍તાની મીડિયા અનુસાર આ વિસ્‍તાર સિબી અને કચ્‍છ બોર્ડર પર આવેલો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ આત્‍મઘાતી હુમલો હતો પરંતુ તપાસ બાદ જ તેની પુષ્ટિ થશે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, બલૂચિસ્‍તાન પોલીસના જવાન ડ્‍યૂટી પરથી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે આ વિસ્‍ફોટ થયો હતો. વિસ્‍ફોટ એટલો જોરદાર હતો કે તેની અસરને કારણે પોલીસ કર્મચારીઓને લઈ જતું વાહન પલટી ગયું. આ વિસ્‍ફોટમાં ૧૫ પોલીસકર્મી ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્‍તાનમાં તાજેતરના સમયમાં ઘણા આતંકી હુમલા થયા છે. ગત જાન્‍યુઆરીમાં જ પાકિસ્‍તાનના પેશાવરમાં આત્‍મઘાતી હુમલામાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલો ત્‍યારે થયો જયારે પોલીસકર્મીઓ નમાજ પઢવા માટે એક મસ્‍જિદમાં એકઠા થયા હતા. તે જ સમયે પોલીસના વેશમાં આવેલા એક આતંકવાદીએ બોમ્‍બ બ્‍લાસ્‍ટથી પોતાની જાતને ઉડાવી દીધી હતી.

વિસ્‍ફોટ એટલો જોરદાર હતો કે મસ્‍જિદની છત પણ પડી ગઈ, જેના કારણે મૃત્‍યુઆંક ઘણો વધારે છે. હકીકતમાં, આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન આર્મી વચ્‍ચે યુદ્ધવિરામ ભંગ થયો છે અને ત્‍યારથી પાકિસ્‍તાનમાં આતંકવાદી હુમલાઓનું મોજુ ફરી વળ્‍યું છે. ખાસ વાત એ છે કે મોટાભાગના આતંકી હુમલાઓમાં પાકિસ્‍તાન પોલીસના જવાનોને નિશાન બનાવવામાં આવ્‍યા છે.

(4:00 pm IST)