Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

૨૦મી માર્ચ સુધી જેલમાં રહેશે મનીષ સિસોદીયા

દિલ્‍હીના ડે. સીએમની હોળી - ધૂળેટી તિહાર જેલમાં લીકર કૌભાંડમાં કોર્ટે ૨૦મી સુધી જેલમાં મોકલવાનો આપ્‍યો આદેશ : ૧૦મી માર્ચે જામીન અરજી ઉપર સુનાવણી થશે : તેમના સાથીદાર જૈન ૯ મહિનાથી જેલમાં છે

નવી દિલ્‍હી તા. ૬ : AAP નેતા અને પૂર્વ ડેપ્‍યુટી સીએમ મનીષ સિસોદિયાની હોળી તિહાર જેલમાં મનાવવામાં આવશે. દિલ્‍હી એક્‍સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્‍યુ કોર્ટે તેને ૨૦ માર્ચ સુધી મોકલી આપ્‍યો છે. સોમવારે સીબીઆઈના રિમાન્‍ડ પૂરા થયા બાદ સિસોદિયાને રાઉઝ એવન્‍યુ કોર્ટમાં લાવવામાં આવ્‍યા હતા.

કોર્ટે મનીષ સિસોદિયાને ૨૦ માર્ચ સુધી ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્‍યો હતો. વાસ્‍તવમાં, ૪ માર્ચે, રાઉઝ એવન્‍યુ કોર્ટે મનીષ સિસોદિયાના CBI રિમાન્‍ડને વધુ બે દિવસ લંબાવ્‍યો હતો. જોકે સીબીઆઈએ કોર્ટમાં મનીષ સિસોદિયાને વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ આપવાની માંગ કરી હતી. સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર કોર્ટે સીબીઆઈને નોટિસ પણ જારી કરી છે. સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ૧૦ માર્ચે થશે.

દિલ્‍હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એક સપ્તાહથી CBI કસ્‍ટડીમાં છે. ધરપકડ બાદ સિસોદિયાને પાંચ દિવસ માટે CBI કસ્‍ટડીમાં મોકલવામાં આવ્‍યા હતા. વિશેષ ન્‍યાયાધીશ એમકે નાગપાલે કેન્‍દ્રીય એજન્‍સીને તેના વધુ બે દિવસના રિમાન્‍ડ પર મોકલ્‍યા બાદ શનિવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો.

સિસોદિયાના વધુ રિમાન્‍ડની માંગ કરતા સીબીઆઈના વકીલે કહ્યું હતું કે, ‘તે હજુ પણ અસહકાર કરી રહ્યો છે અને બે વ્‍યક્‍તિઓ સાથે તેનો મુકાબલો કરવા માટે અમને તેની વધુ કસ્‍ટડીની જરૂર છે.' સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે, ‘તેમની મેડિકલમાં ઘણો સમય લાગ્‍યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને આખો દિવસ લાગ્‍યો હતો, જેને ફગાવી દેવામાં આવ્‍યો હતો.'

નવી દારૂ નીતિમાં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાને શનિવારે બપોરે રાઉઝ એવન્‍યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન સીબીઆઈ હેડક્‍વાર્ટરથી રાઉઝ એવન્‍યુ કોર્ટ સુધી ભારે સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ડીડીયુ રોડ દિવસભર બંધ રાખવામાં આવ્‍યો હતો.

(3:48 pm IST)