Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પીએફ ઉપર વ્‍યાજ હજુ વધુ ઘટવાનું એંધાણ

હોળી પછી ૬ કરોડથી વધુ કર્મચારીઓને ઝાટકો લાગે તેવી શક્‍યતા

નવી દિલ્‍હી તા. ૬ : જો તમારૂં ભવિષ્‍ય નિધિ ખાતું ખુલ્લું છે, તો તેના પર મળતા વ્‍યાજમાં ઘટાડો થવાની સંભાવના છે. પ્રોવિડન્‍ટ ફંડ એટલે કે પીએફ પરના વ્‍યાજ દરને લઈને ૨૫-૨૬ માર્ચના રોજ EPFO   બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝની બેઠક યોજાવા જઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે પીએફ પરના વ્‍યાજમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. નોંધપાત્ર રીતે, પીએફ પર વર્તમાન વ્‍યાજ દર ૪૩ વર્ષમાં સૌથી નીચા સ્‍તરે છે. હાલમાં EPFOના સાડા છ કરોડથી વધુ સબસ્‍ક્રાઈબર્સ છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, EPFO   વર્તમાન વ્‍યાજ દર ૮.૧ ટકા જાળવી રાખી શકે છે અથવા તેને નજીવો ઘટાડીને ૮ ટકા કરી શકે છે. ઇક્‍વિટી રોકાણમાં વધુ વળતરની સંભાવનાને ધ્‍યાનમાં રાખીને આ કરી શકાય છે. હાલમાં, EPFO  ડેટ સાધનોમાં ૮૫ ટકા રોકાણ કરે છે, જેમાં સરકારી સિક્‍યોરિટીઝ અને બોન્‍ડનો સમાવેશ થાય છે. બાકીના ૧૫ ટકા ઇટીએફમાં રોકાણ કરવામાં આવે છે. પીએફનું વ્‍યાજ ડેટ અને ઇક્‍વિટીમાંથી થતી કમાણીનાં આધારે નક્કી કરવામાં આવે છે. પીએફ પર ઉપલબ્‍ધ વ્‍યાજ દર ચાર દાયકામાં સૌથી નીચા સ્‍તરે છે. EPFOએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે વ્‍યાજનો દર ૮.૧ ટકા નક્કી કર્યો હતો, અગાઉ ૨૦૨૦-૨૧માં PF પર ૮.૫ ટકાના દરે વ્‍યાજ મળતું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પીએફના વ્‍યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. તેના એક વર્ષ પહેલા ૨૦૧૯-૨૦માં આ વ્‍યાજ દર ૮.૬૫ ટકાથી ઘટાડીને ૮.૫ ટકા કરવામાં આવ્‍યો હતો.

ગઈકાલે એક નિવેદનમાં, EPFOએ જણાવ્‍યું હતું કે જેઓ ૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૪ ના રોજ EPF સભ્‍યો હતા, તેમને ૨૭ ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને પહેલાથી જ ૮,૮૯૭ સભ્‍યોએ તેમના એમ્‍પ્‍લોયરને અરજી કરી છે. આ ઉપરાંત, EPFO   ને ૪ માર્ચ સુધી નિવૃત્ત EPF સભ્‍યો પાસેથી ૯૧,૨૫૮ ઓનલાઈન અરજીઓ મળી છે. આ અરજીઓ એવા સભ્‍યો માટે છે જેમને ૧લી સપ્‍ટેમ્‍બર, ૨૦૧૪ પહેલા ઉચ્‍ચ પેન્‍શન માટે ધ્‍યાનમાં લેવામાં આવ્‍યા ન હતા.

(10:39 am IST)