Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રશિયાના એક વૈજ્ઞાનિકનું ગળું દબાવવાનો મામલો સામે આવ્યોઃ રશિયન કોવિડ-19 રસી સ્પુટનિક V બનાવવામાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રી બોટિકોવને બેલ્ટ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાયા

તેના જ એપાર્ટમેન્ટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી

નવી દિલ્‍હીઃ રશિયાના એક વૈજ્ઞાનિકનું ગળું દબાવવાનો મામલો સામે આવ્યો છે. રશિયન કોવિડ-19 રસી સ્પુટનિક V બનાવવામાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રી બોટિકોવને બેલ્ટ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગુરુવારે (2 માર્ચ) તેના જ એપાર્ટમેન્ટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે.

બોટિકોવ રશિયાના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા અને તેમને રસી પરના તેમના કામ માટે એવોર્ડ પણ મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020માં સ્પુટનિક વી રસી વિકસાવી હતી.

રશિયન સમાચાર એજન્સી TASS એ રશિયન ફેડરેશનની તપાસ સમિતિને ટાંકીને કહ્યું કે 47 વર્ષીય બોટિકોવ, જેઓ ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કરતા હતા, તેઓ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2021 માં કોવિડ રસી પરના તેમના કાર્ય માટે વાઇરોલોજિસ્ટને ‘ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

રશિયન વૈજ્ઞાનિક બોટિકોવના મૃત્યુની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય યુવકે નજીવી તકરાર દરમિયાન બોટિકોવનું બેલ્ટ વડે ગળું દબાવી દીધું અને ભાગી ગયો. કાયદા અમલીકરણ એજન્સીઓએ તેને ઘરેલું અપરાધ ગણાવ્યો છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોટિકોવનો મૃતદેહ મળી આવતાં જ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વૈજ્ઞાનિકની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલ વ્યક્તિનો ગુનાહિત રેકોર્ડ છે. તેની સામે અગાઉ પણ ગંભીર ગુનામાં કાર્યવાહી કરવામાં આવી હતી અને તે ઘણા વર્ષોથી જેલમાં હતો. પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

(12:00 am IST)