Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કોરોનાના વધતા કેસો દેશ માટે ચિંતા : આઠ રાજ્યોને 3T ફોર્મલા- ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર કામ કરવા નિર્દેશ

હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢ સામેલ છે. મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળમાં સંક્રમણના નવા કેસોમાં ભારે ઉછાળો

નવી દિલ્હી : દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને મુદ્દે કેન્દ્ર સરકારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3T ફોર્મલા- ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર કામ કરવા જણાવ્યું છે. સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારી, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને જોખમવાળા લોકોનું રસીકરણ કરી સંક્રમણા વધતા કેસો પર અંકુશ મેળવી શકાય એમ છે. આ આઠ રાજ્યોમાં હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢ સામેલ છે. મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળમાં સંક્રમણના નવા કેસોમાં ભારે ઉછાળો નોંધાયો હતો.

કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ આ આઠ રાજ્યોના 63 જીલ્લાઓ ચિંતાનું કારણ બન્યા છે કારણ કે આ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ઘટ્યુ છે. અહીંના પ્રભાવિત વિસ્તારોમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ નબળુ હોવાનો ખુલાસો થયો હતો. 63 જીલ્લાઓમાંથી નવ જીલ્લા દિલ્હી, 15 જીલ્લા હરિયાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના 10, હિમાચલ પ્રદેશના 9, ઉત્તરાખંડના 7, ગોવાના 2 અને ચંદીગઢનો એક જીલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હતી.

સ્વાસ્થ મંત્રાલય મુજબ કોરોનાથી સંક્રમિત દરેક દર્દીના નજીકના સરેરાંશ 20 લોકોનું ટ્રેસિંગ થવુ જરુરી છે. પરિસ્થિતિને જોતાં કેન્દ્રિય સ્વાસ્થ સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્યા ડો. વીકે પોલ એ આ આઠ રાજ્યોના હેલ્થ સેક્રેટરી સાથે બેઠક કરી હતી. જે દરમિયાન રાજ્યોમાં કોરોના વેક્સીનનો બને એટલો વધુ અસરકારક ઉપયોગ અને વધારે જોખમી જીલ્લાઓ-વિસ્તારો પર નજર રાખી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેઓને વેક્સીનેશન મિશન ઝડપી બનાવવા માટે રાજ્યોના ખાનગી દવાખાનાઓનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું હતું.

આ સિવાય પંજાબ અને મહારાષ્ટ્રમાં વધતા જતાં કેસોને મુદ્દે કેન્દ્રની ટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી હતી. જે અહીંની ગંભીર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારોને મદદ કરશે

(11:26 pm IST)