Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ગેસ સીલીન્ડર મોંઘા થતા બુઝાઇ ગયા 'ઉજ્જવલા'ના ચૂલા

રાજસ્થાનમાં લગભગ ૩૫ ટકા લાભાર્થીઓ નથી ભરાવતા સીલીન્ડરઃ ૧૦ મહિનામાં ૨૫૦ રૂપિયા વધી ગયા ઉપરથી સબસીડી થઇ બંધ

જયપુર, તા.૬: મહિલાઓને ચૂલાના ધૂમાડામાંથી છૂટકારો અપાવવા ઉજ્જવલા યોજના શરૂ કરાઇ હતી પણ ગેસ સીલીન્ડરના વધી રહેલા ભાવોએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગરીબ પરિવારોને મફત સીલીન્ડરો તો આપી દેવાય પણ ગેસના વધી રહેલા ભાવોના કારણે લાભાર્થીઓ તેને રિફીલ નથી કરાવી શકતા. ૧૦ મહિનામાં ૨૫૦ રૂપિયાથી વધારે અને ૪૪ દિવસમાં ૧૨૫ રૂપિયા જેટલો વધારો થઇ ચૂકયો છે. સબસીડી પણ બંધ હોવાથી રાજસ્થાનમાં ઉજ્જવલા યોજનાના ૩૦ થી ૩૫ ટકા લાભાર્થીઓએ ફરીથી સીલીન્ડર નથી ભરાવ્યો.

જયપુરની માયરાને ઉજ્જવલા યોજના હેઠળ કનેકશન મળ્યું હતું પણ માયરા અને તેની દિકરી રૂકમાં ચૂલો ફૂ઼કવા મજબૂર છે. તે કહે છે કે આખા પરિવારની મહિના આવક માંડ ૪ હજાર રૂપિયા છે ત્યારે ૮૨૩ રૂપિયા સીલીન્ડરના કેમ ખર્ચવા. જેટલામાં સીલીન્ડર ભરાય એટલામાં તો ઘરનું રાશન આવી જાય. તેણે કહયું કે માારી દિકરીને ચૂલો ફૂંકવો નથી ગમતો પણ મજબૂરી છે.

ઓઇલ કંપનીઓના આંકડાઓ પર નજર નાખીએ તો ફકત ૩૦ થી ૩૫ ટકા જ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ નિયમીત સીલીન્ડર ભરાવે છે. એટલે કે ૬૩.૬૪ લાખમાંથી ૨૧ લાખ ૬૦ હજાર ગ્રાહકો જ રેગ્યુલર રીફીલીંગ કરાવે છે. ડીસેમ્બરમાં સીલીન્ડરના ભાવ ૭૦૦ રૂપિયા થઇ ગયા અને ૯ મહિનાથી સબસીડી પણ બંધ છે. આની સીધી અસર ઉજ્જવલા યોજનાના કનેકશનો પર દેખાઇ રહી છે.

(2:44 pm IST)