Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

હજુ સાઉદી અરેબીયા અને ભારત વચ્ચે હજજ યાત્રાની સમજૂતિ ઉપર હસ્તાક્ષર થયા નથી

અમદાવાદ તા. ૬ :.. કોરોના વાયરસ મહામારીના કારણે ગયા વર્ષે સઉદી સરકારે વિદેશી યાત્રીઓને હજ કરવાની પરવાનગી આપી ન હતી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીયો માટે હજયાત્રાની તકો ઓછી છે. જો કે, સઉદી સરકારે હજી સુધી હજ અંગે તેની નીતિ જાહેર કરી નથી. પરંતુ તેણે કોરોનાગ્રસ્ત દેશોના નાગરીકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે. આમ આ વર્ષે પણ ભારતીય યાત્રાળુઓ માટે હજયાત્રાની તકો નહીવત છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હજયાત્રા માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ હજી સુધી લોટરીની પ્રક્રિયા પૂરી થઇ નથી. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે હજયાત્રા માટે સઉદીની મંજૂરી મેળવવી મુશ્કેલ છે.

આ વર્ષે ભારત અને સઉદીની સરકારો વચ્ચે હજયાત્રા અંગેની સમજૂતી પર હજુ હસ્તાક્ષર થયા નથી. જો એકવાર આ સમજૂતી થઇ જાય તો ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. એક અહેવાલ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના અને ૬પ વર્ષથી વધુ ઉમરના લોકોને હજયાત્રાની પરવાનગી આપવામાં આવશે નહીં.

ભારત સરકારે સઉદી સરકારને જણાવ્યું હતું કે, યાત્રીઓને કોવીડની રસી આપવાની યોજના તૈયાર છે. સઉદી સરકારે તેમના દેશમાં પ્રવેશ માટે રસીકરણની આગોતરી શરત મૂકી છે. બીજી તરફ હજયાત્રાએ જવા માંગતા લોકો હજ કમીટી પાસેથી જાણકારી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજ કમીટી કશું પણ કહેવાની સ્થિતિમાં નથી.

(1:16 pm IST)