Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 68.9 કરોડ ડોલર વધીને 584.55 અબજ ડોલર થયું

સોનાના ભંડારનું મૂલ્ય 17.2 કરોડ ડોલર વધીને 35.421 અબજ ડોલર થયું

મુંબઈ : દેશનું વિદેશી મુદ્રા ભંડાર 26 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 68.9 કરોડ ડોલર વધીને 584.554 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. પાછલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 16.9 કરોડ ડોલર ઘટીને 583.865 અબજ ડોલર થયું હતું. આ પહેલા, છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ મુદ્રા ભંડારમાં સતત વધારો થયો હતો. 29 જાન્યુઆરી 2021 ના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી વિનિમય ભંડાર 590.185 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

રિઝર્વ બેંકના ડેટા મુજબ 26 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણ સંપત્તિ (FCA) માં થયેલા વધારાના પગલે પૈસાના ભંડારમાં વધારો થયો હતો. વિદેશી ચલણ સંપત્તિમાં કુલ વિદેશી મુદ્રા ભંડારનો નોંધપાત્ર હિસ્સો હોય છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર અહેવાલના સમયગાળામાં FCA 50.9 કરોડ ડોલર વધીને 542.615 અબજ ડોલર થયું છે. એફસીએ ડોલરમાં દર્શાવાય છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણની સંપત્તિનો સમાવેશ થાય છે.

દેશના સોનાના ભંડારનું મૂલ્ય 17.2 કરોડ ડોલર વધીને 35.421 અબજ ડોલર થયું છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં દેશને મળેલા વિશેષ અધિકાર 90 લાખ ડોલર વધીને 1.517 અબજ ડોલર થયા છે. આઇએમએફ પાસે અનામત મામૂલી ઘટીને 5.001 અબજ ડોલર થયું છે.

(10:56 am IST)