Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

એક ટોઈલેટની અંદર બે સીટ! હાસ્યાસ્પદ બની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વ્યવસ્થા

ભિઉરા ગામના શૌચાલયમાં આવ્યું તેમાં એક નહીં પરંતુ બે-બે સીટ : શૌચાલયને લઈને મજાકને પાત્ર બન્યા અધિકારીઓ : કોંગ્રેસે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભ્રષ્ટાચારની આશંકા વ્યકત કરી

લખનૌ,તા. ૬:  સમગ્ર વિશ્વ પણ અજાયબીથી છલોછલ ભરેલું છે. એમાં પણ જો વાત આવે ટોઈલેટની તો કોઈ સોનાના ટોઈલેટ બનાવડાવે છે તો કોઈ ટોઈલેટમાં જ અનોખા પેઈન્ટિંગ્સથી ધ્યાન ખેંચતું હોય છે. જોકે, ઉત્ત્।રપ્રદેશના એક ગામમાં જે થયું છે તે ખરેખર હાસ્યાસ્પદ છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં દરેક જરુરિયાત વર્ગને શૌચાલય તૈયાર કરી દેવાની અપાર સફળતા પછી હવે સરકારે દરેક ગામમાં સામુહિક શૌચાલયનું નિર્માણ કરવાનું શરુ કર્યું. આ સાંભળવામાં ભલે સામાન્ય લાગતું હોય પરંતુ આ યોજનામાં ખાસ શું છે તે જાણીને તમારા આશ્ચર્યનો પાર નહીં રહે.

ઉત્ત્।રપ્રદેશના ભિઉરા ગામમાં બનાવવામાં જે શૌચાલય બનાવવામાં આવ્યું છે તેમાં એક નહીં પરંતુ બે-બે સીટ લગાડવામાં આવી છે. હવે આ દ્રશ્ય જોઈને કયો એવો વ્યકિત હશે જે પોતાનું હસવું ન રોકી શકયો હોય? તમે વિચારી રહ્યાં હશો કે એક ટોઈલેટની અંદર બે લોકો કેવી રીતે અંદર જશે અને નિત્યક્રમ પતાવશે! જોકે, જિલ્લા પંચાયત વિભાગના કશુંક અલગ કરવાની વિચારસરણી ધરાવતા અધિકારીઓએ આ કરી બતાવ્યું છે. જે કદાચ એવું જ માનતા હશે કે અરે ભઈ આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યાં છીએ અને અંતરિક્ષ અને ચંદ્ર સુધી પહોંચ્યા છે તો આવા શૌચાલય ન બનાવી શકાય!

જે કોઈ પણ પ્રધાન, એન્જિનિયર અને બ્લોકના અધિકારીઓએ આ અજાયબી જોઈ કે તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ હતી. હવે લોકો એ વિચારી રહ્યા છે કે કેવી રીતે બે લોકો એકસાથે જ શૌચાલયનો ઉપયોગ કરશે. અને એવું કોણ હશે જે આવી રીતે નિત્યક્રમ પતાવવા માટે રાજી થશે. ખૈર, અહીં પણ ગોટાળાઓનો પોતાનો રેકોર્ડ છે. આ કારણે જિલ્લાના અધિકારીઓ માટે આ કોઈ નવી વાત નથી.

હકીકતમાં ભીઉરા ગામમાં બનાવવામાં આવેલા સામુહીત શૌચાલયમાં એક ટોઈલેટ રુમની અંદર જ બે સીટ લગાવવામાં આવી છે. હવે આ શૌચાલયનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઈરલ થયો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૦ લાખથી વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું છે પણ જમીની હકીકત જોતા આ યોજનાની મજાક ઉડાવાઈ રહી છે તે તમે તસવીરમાં જ જોઈ શકો છો.

હાલ તો આ ઘટનાને લઈને કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ અંકુર વર્માએ સવાલ ઉઠાવ્યા છે અને માગણી કરી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ. સ્વચ્છ ભારત મિશનમાં આટલું મોટું ભ્રષ્ટાચારનું ઉદાહરણ બીજુ અન્ય એકપણ હોય શકે નહીં. જયારે કમિશનર અનિલ સાગરે આ ઘટના અંગે કહ્યું કે ખરેખર આ તસવીરો હાસ્યાસ્પદ છે પરંતુ ઘોર લાપરવાહી પણ છે. જેની તપાસ કરીને કાર્યવાહી પણ કરવી જોઈએ.

(10:19 am IST)