Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મમતા બેનર્જીએ અનેક સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા TMCમાં ઘમાસાણ: સમર્થકોએ તોડફોડ અને ચક્કાજામ કર્યા

દક્ષિણ 24 પરગણાના ભાનગર અને ઉત્તર 24 પરગણાના આમડંગામાં ચક્કાજામ: ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલી સોનાલી ગુહાએ પણ ખુલ્લેઆમ વિરોધ કર્યો : કેટલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ 291 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ ફિલ્મથી લઈને રમતગમતની દુનિયામાંથી ઘણા નવા ચહેરાઓને ટિકિટ આપી છે અને આ માટે ઓછામાં ઓછા 27 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. મમતા બેનર્જીના નિર્ણય પછી તૃણમૂલ કોંગ્રેસમાં જોરદાર ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. જે સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ તેમના સમર્થકોએ ઘણા સ્થળોએ ચક્કાજામ અને તોડફોડ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

સિટિંગ ધારાસભ્યો અરબુલ ઈસ્લામ અને રફીકુર રહેમાનની ટિકિટ કપાતા તેમના સમર્થકોએ દક્ષિણ 24 પરગણાના ભાનગર અને ઉત્તર 24 પરગણાના આમડંગામાં ચક્કાજામ કર્યા. અરબુલ ઈસ્લામ રડી પડ્યા અને કહ્યું, “મારા બૂથ કામદારો રડી રહ્યા છે. ભાનગરના લોકો જે કહે છે તે કરવા માટે હું તૈયાર છું." ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલી સોનાલી ગુહા પણ આમાં શામેલ છે. તેમણે ખુલ્લેઆમ પોતાનો વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, હું હંમેશાં મમતા બેનર્જીની સાથે રહી છું અને મને આ પરિણામ મળ્યું? ડાયાબિટીઝના કારણે મારુ નામ દૂર કર્યું પણ એક વાર જાણ તો કરી હોત

મમતા બેનર્જીએ કહ્યું કે ઘણા સિટિંગ ધારાસભ્યો, મંત્રીઓ અને પાર્ટીના નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી. આપણે યુવા અને અનુભવી નેતાઓને ભેગા કરવાના છે. કોરોનાને કારણે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નથી અપાઈ. કેટલાક ધારાસભ્યોને પણ બાદ કરવામાં આવ્યા છે. મમતાએ ટિકિટ કપાયેલા સિટિંગ ધારાસભ્યોને આશ્વાસન આપતા કહ્યું કે જો પાર્ટી ફરીથી સત્તામાં આવશે તો બંગાળમાં વિધાન પરિષદની રચના કરશે, જેથી પાર્ટીના અનુભવી નેતાઓને સમાવી શકાય.

(12:44 am IST)