Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કેરાલાના મુખ્યમંત્રીનું નામ સોનાની દાણચોરીમાં ઊછળ્યું

કેરાલા વિધાનસભામાં ચૂંટણી પૂર્વે જ હડકંપ : સોનાની દાણચોરી પ્રકરણમાં પકડાયેલી મહિલા સ્વપ્ના સુરેશે કસ્ટમ વિભાગની પૂછપરછમાં અનેક નામ આપ્યા

નવી દિલ્હી, તા.૫ : કેરાલા વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ભૂકંપ આવ્યો છે. કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયનનુ નામ સોનાની દાણચોરીમાં ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

મળતી વિગતો પ્રમાણે સોનાની દાણચોરી પ્રકરણમાં પકડાયેલી મહિલા સ્વપ્ના સુરેશે કસ્ટમ વિભાગની પૂછપરછમાં મુખ્યમંત્રી પી.વિજયન અને કેબિનેટના બીજા ત્રણ મંત્રીઓના નામ આપ્યા છે. આ તમામ ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હોવાની વાત સ્વપ્ના કહી રહી છે.

સ્વપ્નાએ કસ્ટમ વિભાગને આપેલા નિવેદન અંગે કસ્ટમ વિભાગે કેરાલા હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને કહ્યુ હતુ કે, પી વિજયનને અરબી ભાષા નહી આવડતી હોવાથી આરોપી સ્વપ્ના સુરેશ કોન્સ્યુલેટ જનરલ સાથે વાતચીતમાં દુભાષિયાનુ કામ કરતી હતી. સોનાના સ્મગલિંગમાં પી વિજયન અને બીજા મંત્રીઓને કરોડો રુપિયાનુ કમિશન મળતુ હતુ. આ ખુલાસો થયા બાદ હવે વિપક્ષ હુમલાવર છે.વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ વિધાનસભામાં કહ્યુ હતુ કે, કોંગ્રેસ છેલ્લા કેટલાક મહિનાઓથી ગોલ્ડ સ્મગલિંગના આરોપ લગાવી રહી હતી અને આ આરોપ સાચા પડયા છે. બીજી તરફ ભાજપે પણ આક્રમક વલણ અપનાવ્યુ છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પણ આ મુખ્ય મુદ્દો બને તેમ લાગી રહ્યુ છે.

(12:00 am IST)