Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દિલ્હી-પૂણે ફ્લાઈટમાં કોરોના દર્દીની હાજરીથી અફરા-તફરી

કોરોના વધતા કેસોએ ચિંતા વધારી : દર્દીએ કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હતો પણ તેને ટેસ્ટનું રિઝલ્ટ ફ્લાઈટમાં બેસી ગયા બાદ મળતા મુસિબત

નવી દિલ્હી, તા.૫ : દેશમાં કોરોનાના કહરને એક વર્ષ થઈ ચુક્યું છે પણ સંક્રમણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. માર્ચ મહિનામાં ફરી એક વખત કોરોનાના વધતા કેસ ચિંતા કરાવી રહ્યા છે.આ સંજોગોમાં ઈન્ડિગો એરલાઈનની દિલ્હી-પૂણેની ફ્લાઈટમાં કોરોનાના દર્દીની હાજરીના પગલે અફરા તફરી મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે આ દર્દીએ કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હતો પણ તેને ટેસ્ટનુ રિઝલ્ટ ફ્લાઈટમાં બેસી ગયા બાદ મળ્યુ હતુ. એ પછી તેણે ફ્લાઈટના ક્રુ મેમ્બરને જાણ કરી હતી. જેના પગલે ફ્લાઈટના તમામ મુસાફરોને પણ આ વાત કહેવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે કોરોનાના દર્દીની વિમાનમાં હાજરીથી હડકંપ સર્જાયો હતો.

એ પછી ફ્લાઈટનુ ટેક ઓફ રોકીને દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.ગુરુવારે સાંજે ઉપડનારી ફ્લાઈટમાં બેસતા પહેલા દર્દીએ થોડા કલાકો અગાઉ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એ પછી ટેક ઓફ પહેલા યાત્રીને મોબાઈલ પર ટેસ્ટમાં તે પોઝિટિવ હોવાનો મેસેજ મળ્યો હતો. આમ તો વિમાન ટેક ઓફ માટે તૈયાર જ હતુ અને રન વે પર પહોંચી ચુક્યુ હતુ. જોકે એ પછી ફરી વિમાનને ડીબોર્ડિંગ એરિયામાં લાવીને દર્દીને ઉતારવામાં આવ્યો હતો. તમામ મુસાફરોને ઉતારીને વિમાનનુ સેનિટાઈઝેશન કરાયુ હતુ અને પછી વિમાને ટેક ઓફ કર્યુ હતુ.

(12:00 am IST)