Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

મમતા બેનરજી નંદીગ્રામની બેઠક ઉપરથી ચૂંટણી લડશે

પશ્ચિમબંગાળ ચૂંટણી માટે તૃણમુલે ઉમેદવારો જાહેર કર્યા :તૃણમૂલ કાંગ્રેસ દ્વારા ૪૨ બેઠકો પર મુસ્લિમ અને ૫૧ બેઠકો ઉપર મહિલાઓને ટિકિટ આપવામાં આવી

નવી દિલ્હી, તા.૫ : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે પોતાના તમામ ૨૯૧ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

મમતા બેનરજીની પાર્ટીએ બાકીની ત્રણ બેઠકો પોતાની સહયોગી પાર્ટીને આપી છે. આજે પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના નેતા મમતા બેનરજીએ આ જાણકારી આપી હતી. ધ્યાન ખેંચનારી વાત એ છે કે, મમતા બેનરજીએ આ વખતે પોતાની ભવાનીપુર બેઠક છોડીને નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આમ મમતા બેનરજીએ નવી બેઠક પરથી લડવાનુ પસંદ કર્યુ છે. ટીએમસી દ્વારા ૪૨  બેઠકો પર મુસ્લિમ અને ૫૧ બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

આજે ટિકિટોની જાહેરાત કરતા પહેલા ટીએમસી દ્વારા ગઈકાલે રાતે એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં નેતાઓને છેલ્લા દસ વર્ષમાં થયેલા કામની લોકોને જાણકારી આપવા અને લોકસભામાં જે વિસ્તારોમાં પાર્ટીએ સારુ પ્રદર્શન નથી કર્યુ ત્યાં લોકો સાથે સંપર્ક વધારવા માટે કહેવામાં આવ્યુ છે.

પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન થવાનુ છે અને ૨૭ માર્ચથી ચૂંટણીનો પ્રારંભ થવાનો છે.

(12:00 am IST)