Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ત્રિપુરાના નવા મુખ્‍યમંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ બિપ્લવ દેવ અને નાયબ મુખ્યમંત્રી તરીકે જિષ્‍ણુ દેવ વર્માના નામની જાહેરાતઃ ૯મીએ શપથવિધિ સમારોહ

ત્રિપુરાઃ ત્રિપુરામાં ભાજપે અૈતિહાસિક જીત મેળવી લીધા બાદ મુખ્‍યમંત્રી તરીકે બિપ્લવ દેવ અને નાયબ મુખ્‍યમંત્રી તરીકે જિષ્‍ણુ દેવ વર્માના નામની જાહેરાત કરવામાં આવી છે. અને તા.૯મીએ બંને શપથ લઇને પદગ્રહણ કરશે.

ત્રિપુરામાં ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા અદા કરનાર પ્રદેશ અધ્યક્ષ બિપ્લવ દેવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ભાજપના વિધાયક દળના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. તેની સાથે જિષ્ણુ દેવ વર્મા રાજ્યના નવા ઉપમુખ્યમંત્રી બનશે.

ભાજપ તરફથી નીતિન ગડકરીને પક્ષના પ્રભારી તરીકે મોકલવામાં આવ્યાં છે. ત્યારબાદ બિપ્લવ દેવને વિધાયક દળના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવી. ત્રિપુરામાં 9 માર્ચે સરકાર શપથગ્રહણ કરશે. ભાજપ દ્વારા શાનદાર કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

શપથગ્રહણમાં ભાજપ શાસિત તમામ રાજ્યનો મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જો એક સૂત્રોને મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ શપથગ્રહણમાં હાજરી આપે તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

ત્રિપુરાની 59 બેઠક પર ચૂંટણી યોજાઇ જેમાં 35 પર ભાજપ અને આઠ બેઠક પર તેના સહયોગી દળ ઇન્ડીજીનસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઇપીએફટી)ના ઉમેદવારનો વિજય થયો છે. જો કે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ત્રિપુરામાં ચાલી રહેલી હિંસાનો આરોપ ભાજપના કાર્યકરો ઉપર લગાવામાં આવી રહ્યો છે.

(6:00 pm IST)