Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અમેરિકન નૌસેનાનું જંગી જહાજ વિયેતનામ પહોંચતા ચીન સહિત વિશ્વમાં ખળભળાટ

ચીને અમેરિકાના આ પગલાને લઇને ભાર નારાજગી વ્યકત કરી

ડાનૈંગ તા. ૬ : વિયેતનામના યુદ્ઘ બાદ પહેલીવાર અમેરિકન નૌસેનાનું વિમાનવાહક જહાજ વિયેતનામ પહોંચતાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અમેરિકાનાં આ પગલાંથી વિતેયનામ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ આવે તેવી સંભાવના છે. બીજી તરફ આ પગલાંને બે પૂર્વ દુશ્મન દેશો વચ્ચે વિકસી રહેલી મિત્રતાને વધુ ગાઢ બનાવવાના સોનેરી અવસર તરીકે જોવામાં આવી રહ્યું છે.

વિયેતનામના ડાનૈંગ શહેરમાં યુએસએસ કાર્લ વિંસન તેના ૫૫૦૦ જળ સૈનિક, બે અન્ય જહાજ સાથે પાંચ દિવસના પ્રવાસે પહોંચી ગયું છે. ત્યારે વિયેતનામના યુદ્ઘ બાદ પહેલીવાર અમેરિકાએ તેના એરક્રાફટને વિયેતનામ મોકલી આપ્યું છે. જેના કારણે દક્ષિણ ચીન સાગરમાં ચાલતા વિવાદના કારણે ચીને અમેરિકાનાં આ પગલાંને લઈને ભારે નારાજગી વ્યકત કરી છે.

જોકે આ એરક્રાફટને લઈને ચીન તરફથી હજુ કોઈ સતાવાર નિવેદન આવ્યું નથી. જયારે બીજી તરફ આ અંગે વિયેતનામના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે આ એરક્રાફટનો હેતુ આ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા તેમજ વિકાસ અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવા માટેનો છે. પ્રવકતા લે થી થૂ હૈંગે આ પગલાંને બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂતીથી આગળ વધારવાના સંકેત સાથે સરખાવ્યું હતું.

આ અગાઉ દક્ષિણ ચીન સાગરમાં અમેરિકન શિપને જોતાં જ ચીન અનેકવાર આપત્તિ વ્યકત કરી ચુકયું છે. દક્ષિણ ચીન સાગરમાં પણ અનેકવાર ચીન અને અમેરિકાનાં જહાજ એકબીજા સામે આવી ચુકયાં છે. તેમજ ચીન પણ લાંબા સમયથી દક્ષિણ ચીન સાગરમાં ઝડપથી બાંધકામનું નિર્માણ કરાવી રહ્યું છે. જેના કારણે અમેરિકા સહિત દક્ષિણ એશિયાઈ દેશો પણ ચિંતા વ્યકત કરી ચુકયા છે.

(4:07 pm IST)