Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રોકાણકારોએ પાંચ સેશનમાં ૪.૩૦ લાખ કરોડ ગુમાવ્યા

મંગળવારના દિવસે ૧.૫૪ લાખ કરોડ રૃપિયા ડુબ્યા : છેલ્લા ૫ કારોબાર સેશનમાં સેંસેક્સ વધુ ૧૧૨૯ પોઇન્ટ ઘટ્યો : કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૨૦૬૦૬

મુંબઈ, તા. ૬ : શેરબજારમાં ભારે અફડાતફડીનો દોર જારી રહ્યો છે. છેલ્લા પાંચ કારોબારી સેશનમાં મૂડીરોકાણકારોએ ૪.૩૦ લાખ કરોડ રૃપિયા ગુમાવી દીધા છે. આજે ૧.૫૪ લાખ કરોડ રૃપિયા કારોબારીઓએ ગુમાવી દીધા હતા. બીએસઈ બેંચમાર્ક સેંસેક્સમાં ૪૩૦ પોઇન્ટનો ઘટાડો આજે જોવા મળ્યો હતો. આની સાથે જ સેંસેક્સ ૩ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં તેજી હોવા છતાં વેચવાલીના દબાણ હેઠળ બેંકિંગ શેરોમાં કડાકો બોલી ગયો હતો. બ્રોડર માર્કેટમાં ઉત્સાહજનક પ્રવાહ જોવા મળ્યો હતો. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી આજના કારોબારના અંતે ઘટીને ૧૪૪૨૦૬૦૬ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઈ હતી જે ગઇકાલે ૧૪૫૭૫૦૫૪.૨૩ રહી હતી. એકંદરે છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ઇન્ડેક્સમાં ૧૧૨૯ પોઇન્ટનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. એકંદરે વેચવાલીના પરિણામ સ્વરુપે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી આજે ૪૩૦૦૪૨.૫ કરોડ ઘટી ગઈ હતી. આની સાથે કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ઘટીને ૧૪૪૨૦૬૦૬ કરોડ થઇ ગઇ છે. તમામ સેક્ટરોમાં અભૂતપૂર્વ વેચવાલી જારી રહી છે. માર્કેટમાં ગઇકાલની નીચી સપાટી પણ તુટી ગઈ હતી. મૂડીરોકાણકારો ખુબ જ નર્વસ દેખાઈ રહ્યા છે. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૪૩૦ પોઇન્ટ ઘટીને ૩૩૩૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૧૦ પોઇન્ટ ઘટીને ૧૦૨૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં નેશનલ સ્ટોક એક્સચેંજમાં બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી.

(7:38 pm IST)