Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કાર્તિ કેસ : નાણાં મંત્રાલયના અધિકારીની પુછપરછ કરાશે

ચિદમ્બરમ સુધી ઝડપથી તપાસ પહોંચી રહી છે : ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના પૂર્વ સભ્યોની ટુંકમાં પુછપરછ : કાર્તિની કસ્ટડીમાં પુછપરછનો દોર હજુ જારી

નવી દિલ્હી,તા. ૬ : આઇએનએક્સ મીડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવાના મામલે કાર્તિ ચિદમ્બરમ સાથે સાંઠગાઠના મામલે એન્ફોર્સમેનટ ડિરેક્ટોરેટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના પૂર્વ સભ્યોની પુછપરછ કરવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. આની સાથે જ તપાસ હવે ધીમી ગતિથી પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ સુધી પહોંચી રહી છે. બીજી બાજુ કાર્તિની જ્યુડિશિયલ કસ્ટડીમાં પુછપરછનો દોર હાલમાં સતત ચાલી રહ્યો છે. આ પગલાથી તપાસ હવે યુપીએ સરકારના ગાળા દરમિયાન નાણાં મંત્રાલયની કામગીરીમાં ધ્યાન આપનાર છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને ગયા વર્ષે વિખેરી નાંખવામાં આવ્યા બાદથી અનેક અટકળો ચાલી રહી છે. આર્થિક મામલાના વિભાગના સચિન તેના પ્રમુખ રહેતા હતા. એફઆઇપીબીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન, વાણિજ્ય અને વિદેશ મંત્રાલયનુ પ્રતિનિધીત્વ પણ રહેતુ હતુ. કાર્તિની સામે ચાલી રહેલી તપાસથી વાકેફ રહેલા સુત્રોએ કહ્યુ છે કે અડધા ડઝનથી વધારે અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવી છે. જે અધિકારીઓ એ વખતે એફઆઇપીબી સાથે જોડાયેલા હતા તે અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવી છે. એ વખતે જ આઇએનએક્સ મિડિયામાં વિદેશી રોકાણને મંજુરી આપવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યુ છે કે તપાસ સંસ્થાઓએ ઇન્દ્રાણી અને પીટર મુખર્જીની કંપની આઇએનએક્સ મિડિયાને મળેલી મંજુરીના મામલે ઉંડી તપાસ કર્યા બાદ અધિકારીઓને નોટીસ ફટકારી છે. તે પહેલા કાર્તિના વકીલે કહ્યુ હતુ કે એજન્સીઓ એફઆઇપીબીના અધિકારીઓની પુછપરછ કરી રહી નથી. એફઆઇઆરમાં વણઓખાયેલા મેમ્બરો અને નાણાં મંત્રાલયના અધિકારીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાર્તિના પિતા અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ પર પણ સકંજો જમાવવા માટેની તૈયારી થઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. પૂર્વ કેન્દ્રિય નાણાં પ્રધાન ચિદમ્બરમના પુત્ર કાર્તિની  સીબીઆઇ દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ ધરપકડ કરાઇ હતી. આઇએનએક્સ મિડિયા કેસમાં આરોપી કાર્તિ ચિદમ્બરમની હાલમાં કલાકો પુછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈની ટુકડી તેમને પુછપરછ કરવા માટે લઇને મુંબઈ પહોંચી હતી જ્યાં સીબીઆઈના અધિકારીઓએ તપાસની હદ વધારીને કાર્તિ અને આઈએનએક્સ મિડિયાના ડિરેક્ટર પીટર અને ઇન્દ્રાણીની સાથે બેસાડીને પુછપરછ કરી હતી. સીબીઆઈ કાર્તિને લઇને મુંબઇના ભાઈકુલ્લા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જેલમાં લઇ ગયા બાદ ઇન્દ્રાણીને આમને સામને બેસાડીને પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્તિને આર્થર રોડ જેલમાં પણ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પીટરને રાખવામાં આવ્યો છે. સીબીઆઇ બાદ હવે ઇડી પણ તપાસ વધારે તીવ્ર બનાવી રહી છે. કાર્તિના મામલે ઇડી અને સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ પુછપરછ હાલમાં કરવામાં આવ્યા બાદ કાર્તિએ કહ્યુ હતુ કે કોઇ ખોટુ કામ કરવામાં આવ્યુ નથી. રાજકીય દ્ધેશભાવથી તેમની સામે તપાસ ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ પણ આ મામલે ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

(1:00 pm IST)