Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રાજકોટ- ભાવનગર હાઇવે બન્યો રકતરંજીત

ભયાનક અકસ્માતઃ અરેરાટીભર્યા દ્રશ્યો : ૩૧ મોતઃ લાશોના ઢગલા

જાનૈયા ભરેલો ટ્રક પુલ ઉપરથી નીચે ખાબકયોઃ કોળી પરિવારની ખુશી માતમમાં ફેરવાઇઃ મૃતકમાં ૧૦ મહિલાઓ, ૫ બાળકો અને ૧૧ પુરૂષોનો સમાવેશઃ વરરાજાના માતા-પિતાનું પણ મોતઃ વરરાજાએ છેલ્લી ઘડીએ ટ્રકમાં જવાનું માંડી વાળતા બચી ગયાઃ કઠણ કાળજે લગ્નવિધી પતાવાઇઃ વહેલી સવારે ૭ વાગ્યા આસપાસ રંઘોળા ગામ પાસે સર્જાયો અકસ્માતઃ અનીડા ગામથી ટાટમ ગામમાં કોળી પરિવાર જાન લઇને જઇ રહ્યો હતો ત્યારે સર્જાઇ હચમચાવતી ઘટનાઃ ટ્રકમાં ૬૦થી વધુ લોકો બેઠા હતાઃ રાહત બચાવ કાર્ય પૂરજોશમાં: ૪૦ને ઇજાઃ મૃત્યુઆંક વધશે: મૃતકોના પરિવારોને ૪-૪ લાખની સહાયની જાહેરાતઃ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યકત કર્યોઃ વિધાનસભામાં પણ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઇઃ કોળી સમાજ સહિત સૌરાષ્ટ્રભરમાં શોકનું મોજ

ભાવનગર પાસે અકસ્માતથી મૃતદેહોના ઢગલા : ભાવનગર : રાજકોટ-ભાવનગર હાઇવે ઉપરના રંઘોળા પાસે ટ્રક નાલામાં ખાબકતા ૧૭ જેટલા લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. અને ઘટના સ્થળે મૃતદેહોનાં ઢગલા થઇ જતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી અને કરૂણતાના દ્રશ્યો સર્જાયા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર તા. ૬ : ભાવનગર જિલ્લાના રંઘોળા પાસે આજે સવારે જાનનો ટ્રક ૨૫ ફુટ પુલ નીચે ખાબકતા ૩૧ જેટલા જાનૈયાના મોત થતાં કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને ૧૦ મહિલાઓ, ૧૧ પુરૂષો અને પાંચ બાળકો સહિત ૩૧નો ભોગ લેવાયો છે. જ્યારે ૨૫થી ૩૦ જાનૈયાઓને ઇજા થતાં સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોળી પરિવારમાં ખુશીના બદલે શોક છવાય ગયો છે.

 ભાવનગર - રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક આજે સવારે જાન લઇને ભાવનગરના અનીડાના પ્રવિણભાઇ કોળી તેમના પુત્ર વિજયની જાન લઇને ટાટમ ગામ જઇ રહ્યા હતા ત્યારે જાનૈયાનો ટ્રક ઉંધો પડી નાળામાં ખાબકતા ૩૧ના મોતની આશંકા છે અને મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળેલ છે. રંઘોળા પાસેના અનીડા ગામનો કોળી પરિવાર ટ્રકમાં લગ્નમાં જઇ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાતા ભારે દેકારો મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતાં જ ભાવનગર, સિહોર, ઉમરાળાથી ફાયર બ્રિગેડનો કાફલો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર - રાજકોટ હાઇવે ઉપર રંઘોળા નજીક જાનનો ટ્રક અચાનક પલ્ટી ખાઇ નીચે નાળામાં ખાબકતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અને લોકોની ચીચીયારીથી ભારે દેકારો મચી ગયો હતો. આ અકસ્માતમાં ૩૧ જેટલા લોકોનાં મોત નિપજ્યાનો સત્તાવાર પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે અને હજુ મૃત્યુઆંક વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળેલ છે.

આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ ભાવનગર, સિહોર, બોટાદની ૧૦૮ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ક્રેઇન સાથે ઘટના સ્થળે ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરાઇ છે. અકસ્માતનો ભોગ બનનાર કોળી પરિવાર રંઘોળા નજીકનાં અનીડા ગામનો હોવાનું જાણવા મળેલ છે. ભાવનગર રાજકોટ હાઈવે પર એક ટ્રકના ગંભીર અકસ્માતે ૩૧ લોકોનો ભોગ લીધો છે. જયારે આ અકસ્માતમાં ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે, હાઈવે પરથી પસાર થતી વખતે ટ્રક પુલ પરથી નીચે ખાબકયો હતો જેના કારણે આ ગોઝારી ઘટના બની છે. આ અકસ્માત પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ડ્રાઈવર નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે. આ અકસ્માત સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ રઘોળા ગામ પાસે બન્યો હતો. ૧૦૮ની સાથે ફાયરબ્રિગેડની પણ બચાવ કામગીરીમાં મદદ લેવાઈ છે. મુખ્યમંત્રી કાર્યાલાયે જરૂરિયાતમંદોને મદદ માટે યુદ્ઘના ધોરણે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

સવારના સમયે જાન લઈને ટ્રક હાઈવે પરથી સપાસ થઈ રહ્યો હતો ત્યારે રંઘોળા પાસે ટ્રક ગરનાળા પાસે ખાબકયો હતો, બનાવની જાણ થતા પોલીસ અને ૧૦૮નો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને તે દારુના નશામાં હોવાની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

અકસ્માત સર્જાયો ત્યારે આ ટ્રકમાં ૬૦ જેટલા લોકો સવાર હતા, અને મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ હોવાનું સામે આવી રહ્યું છુે. ભાવનગરના કલેકટરે મૃતકોનો આંકડો ૩૧ હોવાની પુષ્ટી કરી છે.

મુખ્યમંત્રી કાર્યાલયે મદદ માટે આદેશ કર્યો

બનાવની જાણ થતાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલો તથા જરુરિયાતમંદોને તાત્કાલિક બનેલી તે સંપૂર્ણ મદદ કરવા માટેનો આદેશ આપી દીધો છે. ઘટના બાદ ટ્રક નીચે ફસાયેલા ૨૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ બનાવ અંગે દુઃખ વ્યકત કરીને જરુરિયાત ધરાવતા લોકોને યુદ્ઘના ધોરણે મદદ કરવામાં આવી રહી હોવાની વાત કરી છે.

સરકારને આપી સલાહ

રંઘોળા પાસે બનેલી ઘટના અંગે કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલે ભારે દુઃખની લાગણી વ્યકત કરીને સરકારને સલાહ પણ આપી છે. શકિતસિંહ ગોહિલે જણાવ્યું કે, સરકારે રાજયમાં વધતી વસ્તીની સાથે એસટી બસોની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ. શકિતસિંહે કહ્યું કે, બસોની સંખ્યા ઓછી હોવાથી ગરીબ પરિવારોએ માલવાહક સાધનોનો ઉપયોગ મુસાફરી માટે કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના સમયમાં મુસાફરોને સસ્તા ભાડાંમાં મુસાફરીનો લાભ મળતો હતો તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.

સમારકામ ચાલતું હતું

બનાવના સ્થળ પર રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે તો પ્રાથમિક અહેવાલ પ્રમાણે ડ્રાઈવરની બેદરકારી છતી થઈ રહી છે.

વરરાજાના માતા-પિતાના મોત

ભાવનગર : આ ગમખ્વાર અકસ્માતમાં અનીડા ગામના વિજય કોળી નામના યુવાનના લગ્ન હતા તે વરરાજાના માતા-પિતાના મોત નિપજતા લગ્નના ગીતો મરશીયામાં બદલાઇ જતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે.

ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા

ભાવનગર : રંઘોળા ગામ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા જાનૈયાઓને ૧૦૮ ઇમરજન્સી દ્વારા ૧૫ જેટલા ઇજાગ્રસ્તોને ભાવનગર હોસ્પિટલ ખસેડાયેલ છે. જેમાં હરેશભાઇ વાઘેલા, બટુકભાઇ પરમાર, સેજલબેન વાઘેલા, ગૌતમભાઇ મકવાણા, વિજુબેન વાઘેલા વિગેરેનો સમાવેશ થાય છે.

જાન અનિડાથી ટાટમ જતી હતી

ભાવનગર : જિલ્લાના રંઘોળા પાસેના અનિડા ગામથી વિજય કોળીની જાન વહેલી સવારે ટાટમ જતી હતી ત્યારે રસ્તામાં ટ્રકે મોતની છલાંગ લગાવી હતી

મંગળવાર અમંગળ સાબિત થયો...

ભાવનગર તા. ૬ : મંગળવાર અમંગળ સાબિત થયો છે. પાલીતાણાના અણીયાળી ગામેથી ટાટમ ગામે જતી જાનને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. રંઘોળા નજીક જાન લઇ જતી વેળાએ ટ્રક નાળામાં ખાબકતાં ૩૧ જાનૈયાઓના મોત થયાની માહિતી મળી રહી છે. આ જાન ભાવનગર તરફ જઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર તરફ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા રસ્તા પર જઇ રહેલી ટ્રક અચાનક નાળામાં ખાબકી હતી.

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો છે. વહેલી સવારે ૭.૩૦ વાગ્યે ઘટના બની હતી. બચાવ કામગીરીમાં રંઘોળા ગામલોકો જોડાયા હતા. મૃત્યઆંક વધે તેવી શકયતા છે. રંઘોળા નજીક ટ્રક નાળામાં ખાબકતા અનેક જાનૈયાઓને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને શિહોર અને ટિંબી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ટ્રકમાં ૬૦ જાનૈયાઓ સવાર હતા. રંઘોળા નજીક રેલીંગ તોડી ટ્રક નાળામાં પડી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રક રેલીંગ તોડીને નાળામાં ખાબકયો હતો. અને પલટી ખાઇ ગયો હતો. જેને લઇ જાનૈયાઓ ટ્રક નીચે દટાઇ ગયા હતા. આસપાસના લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતના મામલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ઘટનાની વિગતો મંગાવાઇ છે. સ્થાનિક કક્ષાએ તમામ પ્રકારની મદદના આદેશો અપાયા છે. હોસ્પિટલ સત્ત્।ાવાળાઓને પણ યુધ્ધના ધોરણે મદદ આપવા આદેશ કરાયા છે.

બોટાદના ટાટમ ગામે જાન જઇ રહી હતી. અનિડા ગામના પ્રવિણભાઇના પુત્રના લગ્નની જાન જઇ રહી હતી. ટાટમ ગામથી બધા લોકો મદદ માટે રવાના થયા છે.

ગમખ્વાર અકસ્માતના પગલે ભાવનગરના કલેકટર હર્ષદ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સ્થળ પરથી તમામ લોકોને બહાર કાઢી લેવાયા છે. ૩૧ લોકોના ઘટનાસ્થળે મોત નિપજયાં છે.

સાંસદ ડો. ભારતીબેન શિયાળ દિલ્હીથી તાબડતોબ દોડી આવ્યા

અકસ્માતના સમાચાર મળતા તુરંતજ સારવાર મદદ કાજે ઉચ્ચ અધિકારીઓને 'દોડાવ્યા' તા

ભાવનગર તા. ૬ : રંઘોળા પાસે આજે વહેલીસવારે થયેલા ગમખ્વાર અકસ્માતના દિલ્હી પાર્લામેન્ટ બજેટ સત્રમાં હાજર સાંસદ ડો. ભારતીબેન શિયાળ અને તળાજા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર ડો.ધીરૂભાઇ શિયાળને સમાચાર મળતા તુરંત જ કલેટકર, જીલ્લા પોલીસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, ડીએસઓ તેમજ સંબંધિત તમામ અધિકારીઓને તત્કાલ અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવારજનોને સારવાર તેમજ મદદ કરવા તાકીદ કરી હતી.

સાથેસાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અકસ્માતમાં ભોગગ્રસ્ત પરિવારજનોને સહાય આપવા વિનંતી પણ કરી છે.

ડો. ભારતીબેન શિયાળ અકસ્માતમાં ઘાયલ પરિવારજનોની મુલાકાતે અને મૃતકોની સ્મશાનયાત્રામાં હાજરી આપવા તત્કાલ દિલ્હીથી રવાના થઇ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોતના મુખમાં ધકેલાયેલ કમનસીબ જાનૈયાઓ

ભાવનગર તા.૬ : રંઘોળા નજીક જાનૈયા ભરેલો ટ્રક નાલામાં ખાબકતા ૩૦ જાનૈયાઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે.જેમાં ઓમ જીતુભાઇ પરમાર (ઉ.૧, રહે. ખરકડી) સુનિલ શંભુભાઇ મકવાણા (ઉ.ર૦ રે. સાંઢીડા મદેવ) છગનભાઇ જીલુભાઇ વાઘેલા (ઉ.૭૦ રહે. અનીડા) ધીરૂભાઇ માધાભાઇ પરમાર (ઉ.પ૦) મુકતાબેન પ્રવિણભાઇ વાઘેલા (ઉ.૪૦) શોભાબેન દિપેશભાઇ વાઘેલા(ઉ.૩૦), હિરાબેન લક્ષ્મણભાઇ વાઘેલા (ઉ.પ૦) વિક્રમભાઇ નટુભાઇ વાઘેલા(ઉ.૩૩), જીલીબેન છગનભાઇ વાઘેલા (ઉ.૬૦) અશોકભાઇ વાઘેલા (ઉ.૬૦) કિશનભાઇ અશોકભાઇ વાઘેલા (ઉ.૧૩) જીજ્ઞેષભાઇ નટુભાઇ ડાભી (ઉ.૩૬) સુરેશભાઇ અરજીભાઇ મકવાણા (ઉ.રપ) જસુબેન દિનેશભાઇ (ઉ.૩પ) રૂપાબેન હિંમતભાઇ ખોદાણા(ઉ.૧૭ રહે. વરલ) ભાવેશભાઇ ભોળાભાઇ ડાભી (ઉ.ર૮) અને દિનેશભાઇ પથુભાઇ (ઉ.૩પ રહે. રાજુલા) સહિતનાનો સમાવેશ થાય છે.

મૃતકોમાં વરરાજાના માતા-પિતા, ભાઇ-ભાભી, બહેન અને દાદીનો સમાવેશ

ભાવનગરઃ બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત ૨૭ જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. જોકે, હાલ લગ્નવિધિ શરૂ થઈ ગઈ છે. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા, દાદી અને બહેનનું પણ મોત થયું છે.

ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર ૬૫થી વધુ લોકોમાંથી ૧૨ પુરૂષો, ૧૦ મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી અને બહેનના મોત થયું છે, જયારે ૩૫દ્મક વધુ ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવીણભાઈ છગનભાઈ વાઘેલા ઉ.વ.૪૫, માતા પ્રભાબેન પ્રવીણભાઈ વાઘેલા(ઉ.વ.૪૦), બહેન જશુબેન દિનેશભાઈ (રહે-તળાજા) અને વરરાજાના દાદી જાણીબેન છગનભાઈ વાઘેલા (ઉ.વ. ૬૦)નું પણ મોત થયું છે.

આ અકસ્માતમાં ૧. શોભાબેન દિનેશભાઈ વાઘેલા(ઉ.વ.૩૦, રહે. વરલ- તા-શિહોર), ૨. હીરાબેન લાલજીભાઈ વાઘેલા (રહે અનિડા)સ ૩. સુરાભાઈ મકવાણા (ઉ.વ.૨૫ રહે-અનિડા), ૪. પુનાભાઈ વાલાભાઈ પરમાર (ઉ.વ. ૬૦, રહે અનિડા), ૫. ધીરૂભાઈ માધાભાઈ પરમાર (ઉ.વ.૫૦ રહે અનિડા)નું મોત થયું છે.

ઉપરાંત અસ્મિતાબેન અશોકભાઈ વાઘેલા (ઉ.વ. ૧૭ રહે અનિડા), શોભાબેનની દીકરી (ઉ.વ.૧૬ રહે-વરલ), સંજયભાઈ ભુપતભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ રહે અનિડા), કિશનભાઈ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૧૬, રહે-અનિડા), વિક્રમભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ રહે-અનિડ)નું મોત થયું છે.

શાંતીભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦, રહે-અનિડા), હર્ષદભાઈ ભોપાભાઇ ડાભી (ઉ.વ.૨૨ રહે-અનિડા), કોમલબેન રામુભાઈ મકવાણા (ઉ.વ.૧૯ રહે-મીકડા તા-ઘોઘા), સુરેશભાઈ મૂળજીભાઈ ડાભી (ઉ.વ.૩૫ રહે - અનિડા), જીતેન્દ્રભાઈ હિમતભાઈ પરમાર (ઉ.વ.૨૫, રહે- ખરકડી, તા-ઘોખા)નું મોત થયું છે.

છેલ્લી ઘડીએ કારની વ્યવસ્થા થતાં વરરાજા કારમાં ગયા અને જીવ બચી ગયો

ભાવનગરઃ બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત ૩૧ જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. આ અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વરરાજા પણ આ જ ટ્રકમાં જવાનો હતો. જોકે, છેલ્લી ઘડીએ પ્લાન ચેંજ થતાં તેનો જીવ બચી ગયો છે. આ અંગેની વિગતો એવી છે કે, પાલિતાણાના અનિરાના કોળી યુવક વિજય વાઘેલાના આજે બોટાદના ટાટમ ખાતે લગ્ન હતા. વરરાજા સાધારણ પરિવારનો હોવાથી પરિવારે જાન લઈને જવા માટે એક ટ્રક બાંધ્યો હતો. આ જ ટ્રકમાં બેસીને વરરાજા પણ પરણવા જવાના હતા.

જોકે, છેલ્લી ઘડીએ વરરાજને કારની વ્યવસ્થા થતાં તેઓ વહેલી સવારે કારમાં બેસીને બોટાદના ટાટમ ખાતે આવી ગયો હતો. બીજી તરફ આખો પરિવાર અને સંબંધીઓ ટ્રકમાં બેસીને ટાટમ આવી રહ્યા હતા, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આવેલા રંઘોળા પાસે ૨૦ ફૂટ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકયો હતો.

ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર ૬૫થી વધુ લોકોમાંથી ૧૧ પુરૂષો, ૧૦ મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી અને બેહનના મોત થયું છે, જયારે ૩૫થી વધુ ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(3:50 pm IST)
  • સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ૩૧ માર્ચથી વધી શકે છે આધાર સાથે લીંક કરવાની સમય મર્યાદા : કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આધાર લીનકઅપ મામલે હજુ થોડો વધારે સમય લાગી શકે તેમ છે. access_time 1:47 am IST

  • PNB કૌભાંડ મામલો : હવે ICICI બેંકના ચંદા કોચર, AXISનાં શિખા શર્મા અને પંજાબ નેશનલ બેંકના એમ.ડી. અને સી.ઈ.ઓ. સુનીલ મેહતાની SIOF દ્વારા કરાશે પૂછપરજ. વિવિધ બેન્કોના હાઈલેવલ મેનેજમેન્ટમાં મચી અફરાતફરી. access_time 3:03 pm IST

  • રિજર્વ બેન્કે બે બેન્કો પર 5 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. જેમાં એક્સિસ બેન્ક પર 3 કરોડ અને ઈન્ડિયન ઓવરસિજ બેન્ક ને 2 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક્સિસ બેન્ક પર ફસાયેલા કરજની ઓળખ સાથે જોડાયેલા કાયદાનું ઉલંઘનનો આરોપ છે અને ઈન્ડિયન ઓવરસિજ બેન્ક પર કેવાઈસીની સાથે સંબંધિત નિયમોના ઉલંઘનનો આરોપ છે access_time 9:28 am IST