Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ હવે ભાજપના નિશાન ઉપર: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના ગંભીર આક્ષેપો : કહ્યું કે 80:20 યોજના હેઠળ ચિદમ્બરમે મેહુલ ચોક્સી અને નીરવ મોદીને મોટો ધનલાભ પહોંચાડ્યો હતો

નવી દિલ્‍હી :  કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે સનસનાટી મચાવી દીધી છે. તેમણે કહ્યું કે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન 80:20 સુવર્ણ આયાત યોજના હેઠળ પંજાબ નેશનલ બેન્કના અરબો રૂપીયાના બેન્ક કૌભાંડના મુખ્ય આરોપીઓ    મેહુલ ચોક્સી અને નીરવ મોદીને મોટો લાભ પહોઁચાડવામાં આવ્યો હતો

ભાજપે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ નિશાન તાક્યું હતું અને કહેલ કે તેમણે બાબતે જવાબ આપવો જોઈએ.

પત્રકારો સાથે વાતચીત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે ચિદમ્બરમે 2014માં ૧૬ મેના રોજ 80:20 યોજના હેઠળ સાત ખાનગી ઝવેરીઓને લાભ પહોંચાડ્યો, જે દિવસે લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા કરવામાં આવી હતી અને ભાજપ જીતી ગયેલ

પ્રસાદે કહ્યું કે સાત ઝવેરીઓમાં ગીતાંજલિ અને સ્ટાર્સ જ્વેલર્સ પણ સામેલ છે જેના માલિકો મેહુલ ચોક્સી અને નીરવ મોદી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ગઠબંધન સરકારે 2013ના ઓગસ્ટ મહિનામાં 80 20 સુવર્ણ આયાત યોજના શરૂ કરી હતી. યોજનાને નરેન્દ્ર ભાઈ મોદી સરકારે સત્તામાં આવતાં વેંત ત્રણ મહિનામાં રદ કરી નાખી હતી.

પ્રસાદે ત્યાં સુધી કહ્યું કે પહેલા માત્ર ધાતુઓ અને ખનીજ ફેડિંગ કોર્પોરેશન તથા સરકારી કંપનીઓને સુવર્ણ આયાત કરવાની અનુમતિ હતી. જેને બદલી નાખવામાં આવેલ

રાફેલ વિમાનને લઈને સર્જાયેલા વિવાદ અંગે રવી પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પક્ષ છેલ્લા ચાર વર્ષથી ભય અને ભ્રમની રાજનીતિ કરતી આવી રહી છે. તેમણે કહ્યું કે આજે તો રાફેલની ચર્ચા થઈ રહી છે તે બહુ આશ્ચર્યજનક છે. કોંગ્રેસ ખુદ બોફોર્સ અને અન્ય હથિયારોની ખરીદના ભ્રષ્ટાચારમાં ડૂબી છે ત્યારે તેઓ રાફેલ ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તે હાસ્યાસ્પદ છે.

(12:00 am IST)