Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

બેંગલુરુ નિવાસી સંગીતકાર રિકી કેજેએ તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો

ગ્રેમી એવોર્ડમાં ભારતનો પરચમ લહેરાયો : રિકીને તેના આલ્બમ ડિવાઈન ટાઈડ્સ એવોર્ડ મળ્યો

નવી દિલ્હી, તા.૬ : વર્ષ ૨૦૨૩ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ કાર્યક્મ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વખત ભારતનો પરચમ લહેરાયો છે. બેંગલુરુ નિવાસી સંગીતકાર રિકી કેજે તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને તેના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

તેમણે પોતાનો એવોર્ડ બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે શેર કર્યો છે. સંજોગોવશાત સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. ૬૫મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ શ્રેષ્ઠ ઈમર્સિવ ઓડિયો આલ્બમ શ્રેણીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે

જાણીતા મ્યૂઝિક કંપોઝર રિકી કેજે પ્રથમ વખત વર્ષ ૨૦૧૫માં તેમના આલ્બમ 'વિન્ડ્સ ઓફ સમસારા' માટે આ એવોર્ડ જીત્યો હતો. ૨૦૧૫માં આ સન્માન મેળવ્યા બાદ રિકીને ફરી એક વખત વર્ષ ૨૦૨૨ માં 'ડિવાઈન ટાઈડ્સ' આલ્બમ માટે 'બેસ્ટ ન્યૂ એજ આલ્બમ'ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.

આ ખુશી દરેક સાથે શેર કરતા રિકી કેજે પોતાના ટ્વીટર પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે પોતાના હાથમાં એવોર્ડ પકડેલો નજર આવી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. આ એવોર્ડ હું ભારતને સમર્પિત કરું છું. ભારતીય સંગીતકાર રિકી કેજે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં તેનો બીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે.

(8:10 pm IST)