Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની ટૂકડી પર આતંકવાદી હુમલો : એક જવાન ઘાયલ

હુમલા પછી આખાય વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૃ કરાયું

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના ચનાપોર વિસ્તારમાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદી હુમલો થયો હતો. એમાં એક જવાનને ઈજા પહોંચી હતી. હુમલા પછી આખાય વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૃ કરાયું હતું.
જમ્મુ-કાશ્મીરના ચનાપોરમાં સીઆરપીએફની ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૃ થયું હતું. આ હુમલામાં એક જવાનને પગમાં ગોળી વાગી હતી. આ હુમલા પછી સીઆરપીએફના જવાનોએ તાત્કાલિક આખાય વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું.
દરમિયાન જમ્મુમાંથી મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી પકડાયો હતો. સુરક્ષાદળોએ લશ્કર-એ-મુસ્તફાના ચીફ કમાન્ડર હિદાયતુલ્લાહ મલિકને પકડી લીધો હતો. આતંકવાદી પાસેથી હથિયારો અને દારુગોળો મળ્યો હતો. આ આતંકવાદીને ઘણાં સમયથી જમ્મુ-કાશ્મીર પોલીસે મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂક્યો હતો. પહેલાં તે જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો અને ત્યારથી તેણે કાશ્મીરના ઘણાં હુમલામાં સંડોવાયેલો હતો. જૈશ-એ-મુસ્તફા જૈશ-એ-મોહમ્મદનું જ આતંકવાદી સંગઠન છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ અધિકારી શ્રીધર પાટિલે કહ્યું હતું કે પકડાયેલા વોન્ટેડ આતંકવાદીની પૂછપરછ શરૃ કરવામાં આવી છે. આ આતંકવાદી જમ્મુમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો.બરાબર એ વખતે જ તેને દબોચી લેવાયો હતો. સાથે સાથે તેના સાગરિતોને પણ પકડી લેવા માટે સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું છે

(10:05 pm IST)