Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભારતનું વિદેશી હૂંડિયામણ નવી ટોચે પહોંચ્યું પણ સુવર્ણ ભંડારનું મૂલ્ય ઘટ્યુ

વિદેશી હૂંડિયામણ 4.85 અબજ ડોલર વધીને 590.18 અબજ ડોલરના રેકોર્ડ લેવલે પહોંચી ગયુ

મુંબઇઃ ભારતીય અર્થવ્યવસ્થા કોરોના મહામારીના ફટકાથી ઝડપથી બેઠું થવા પ્રયત્ન કરી રહ્યુ છે. કોરોના મહામારી દરમિયાન પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વધારો થઇ રહ્યો છે અને દર સપ્તાહે નવી ઉંચાઇએ પહોંચી રહ્યુ છો. આ વખતે પણ દેશનું વિદેશી હૂંડિયામણ નવી ઐતિહાસિક ઉંચાઇને સ્પર્શ્યુ છે જો કે સુવર્ણ ભંડારનું મૂલ્ય ઘટ્યુ છે  સોના ભાવમાં ઘટાડો થવાના કારણે મૂલ્ય ઘટ્યું છે

ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્કના આંકડા મુજબ 29મી જાન્યુઆરી, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ 4.85 અબજ ડોલર વધીને 590.18 અબજ ડોલરના રેકોર્ડ લેવલે પહોંચી ગયુ છે. તો તેની અગાઉ 22 જાન્યુઆરી, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ 1.09 કરોડ ડોલર વધીને 585.33 અબજ ડોલર નોંધાયુ હતુ.

ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં વૃદ્ધિ છે, કારણ કે સમગ્ર વિદેશી હૂંડિયામણમાં સૌથી વધુ યોગદાન આપે છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે. સમિક્ષાધીન સમયગાળા દરમિયાન રિઝર્વ બેન્કના આંકડાઓ મુજબ ફોરેન કરન્સી એસેટ્સ 5.03 અબજ ડોલર વધીને 547.22 અબજ ડોલર થઇ છે. જો કે સમીક્ષાધીન સમયગાળામાં ભારતના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો આવ્યો છે. દેશનું ગોલ્ડ રિઝર્વ આ સમયગાળામાં 16.4 કરોડ ડોલર ઘટીને 36.29 અબજ ડોલર થયુ છે. તેવી જ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ 40 લાખ ડોલર ઘટીને 1.51 અબજ ડોલર થયુ છે. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન પણ 60 લાખ ડોલર ઘટીને 5.16 અબજ ડોલર થઇ હતી.

(9:56 pm IST)