Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કમાન્ડરો વચ્ચે નવ રાઉન્ડની ચર્ચા બાદ પણ યથાવત સ્થિતિ

ચીન સાથેની મડાગાંઠ પર વિદેશ મંત્રીનું નિવેદન : અવરચંડા ચીનની સાથે સૈન્ય બેઠકો અને રાજનૈતિક વાટાઘાટો જારી રાખવા માટે સરકાર પ્રતિબદ્ધ : વિદેશમંત્રી એસ જયશંકર

વિજયવાડા, તા. ૬ : વિદેશમંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને કહ્યું હતું કે, અત્યાર સુધી ચીન સાથે જે વાતચીત થઈ છે કે, તેની જમીન પર કોઈ જ અસર દેખાઈ નથી. જયશંકરના મતે અત્યાર સુધીમાં સૈન્ય કમાંડરો વચ્ચે નવ રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, સેનાના કામાંડર વચ્ચેની વાતચીત બાદ થોડી ઘણી જ પ્રગતિ થઈ છે. પરંતુ તેને સમાધાન તરીકે ના જોઈ શકાય. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં એસ જયશંકરે આમ કહ્યું હતું.

વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે તેને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની સૈન્ય બેઠકો અને રાજનૈતિક સ્તરની વાતચીત ચાલી રહી છે. પરંતુ હજી સુધી કોઈ ઉકેલ લાવી શકાયો નથી. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં પણ આ પ્રકારની વાતચીત યથાવત રહેશે. સૈનિકોને પાછા ખસેડવા એ એક પેચીદો મુદ્દો છે. આ બાબત બંને દેશોની સેના પર નિર્ભર છે. આપણને આપણી ભૌગોલિક સ્થિતિ અને ઘટનાક્રમ વિષે જાણકારી હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે એપ્રિલ ૨૦૨૦થી જ તણાવપૂર્ણ સ્થિતિ બની છે. ચીને લદ્દાખ સરહદ પાસે અનેકવાર ઘુષણખોરીનો પ્રયાસ કર્યો હતો, સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી. જોકે ભારતે પણ પોતાના તરફથી તમામ તૈયારીઓ પુરી કરી લીધી હતી. ત્યાર બાદ બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાતચીત ચાલી પરંતુ હજી સુધી મુદ્દો ઉકેલાવવાનું નામ નથી લઈ રહ્યો.

(8:46 pm IST)