Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

પંજાબ-હરિયાણા સહિતના રાજ્યોમાં શાંતિપૂર્ણ ચક્કાજામ

કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતોનું ચક્કાજામ : રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ ચક્કાજામની અસર જોવાઈ, કેટલાક રાજ્યોમાં પર્દર્શનકારીઓની અટકાયત

નવી દિલ્હી, તા. ૬ : ખેડૂત સંગઠનોના દેશવ્યાપી ચક્કાજામની પંજાબ અને હરિયાણા જેવા મુખ્ય રાજ્યમાં પણ મિશ્ર અસર જોવા મળી હતી. ઘણા પ્રદર્શનકારીઓને દિલ્હી અને બેંગાલુરુમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. યુપી અને ઉત્તરાખંડ ચક્કાજામથી લગભગ અસ્પૃશ્ય રહ્યા હતા. તેમ છતા ૨૬ જાન્યુઆરીની ઘટનાથી બોધપાઠ લેતાં દિલ્હી પોલીસ સતર્ક રહી હતી. સાવચેતી રૂપે દિલ્હી મેટ્રોના કેટલાક સ્ટેશનોના પ્રવેશદ્વારા બંધ કરાયા હતા. ચક્કા જામના સમર્થનમાં દિલ્હીના શહીદી પાર્કમાં વિરોધ કરી રહેલા ૫૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી. રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) સહિત સુરક્ષા દળના જવાનોને દિલ્હી-યુપીની ગાઝીપુર બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા.

રાજસ્થાનના ગંગાનગર, હનુમાનગઢ, ધોલપુર અને ઝાલાવાડ સહિત વિવિધ સ્થળોએ ખેડુતોએ ચક્કાજામ કર્યું હતું. મુખ્ય માર્ગો કે રાજમાર્ગો ઉપર ખેડૂતો ધરણા પર બેઠા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોતાસારાએ ટ્વીટ કર્યું હતું કે, 'રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરનારા ખેડુતોને રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગો પર ચક્કાજામ કરવા માટે સમર્થન જાહેર કરીએ છીએ. તમામ કોંગ્રેસીઓને વિનંતી છે કે આ શાંતિપૂર્ણ ચક્કાજામને સફળ બનાવવા જરૂરી પગલા ઉઠાવે.

પંજાબના સેંકડો ખેડૂતો ચક્કાજામના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા હતા. અહીં રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા. અનેક વિસ્તારોમાં ચક્કાજામની અસર જોવા મળી હતી. અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ-હરિયાણા સરહદ પર ભેગા થયેલા પ્રદર્શનકારીઓ પૈકી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે વૃદ્ધો હોય કે યુવાન તમામ લોકો અહીં ચક્કાજામમાં ભાગ લેવા આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ખેડૂત સંગઠનોના દેશવ્યાપી ચક્કાજામ અંતર્ગત જમ્મુ-પઠાણકોટ હાઇવે પર દેખાવો યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા વાહનોને રોકી દેવામાં આવ્યા હતા. એક વિરોધકર્તાએ કહ્યું કે અમે સરકારને આ કાયદાઓ રદ કરવા અપીલ કરીએ છીએ. અમે દિલ્હીની સરહદે વિરોધ કરી રહેલા ખેડુતોને સમર્થન આપીએ છીએ.

હરિયાણામાં પોલીસે સુરક્ષા વધારી હતી અને ટ્રાફિકને ડાઇવર્ટ કરવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ ખેડૂત સંગઠનો સાથે સંકળાયેલા પ્રદર્શનકારીઓએ હાઈવે પર પહોંચીને હાઇવેને જામ કરી દીધો હતો. રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગો અવરોધિત થતાં મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. કર્ણાટકમાં પણ ચક્કાજામ માટે ટેકો જોવા મળ્યો હતો. ઘણા લોકો બેંગ્લુરુમાં યેલહંકા પોલીસ સ્ટેશનની બહાર ખેડૂતો દ્વારા બોલાવાયેલા દેશવ્યાપી ચેક્કાજામની અપલી હેઠળ ધસી આવ્યા હતા. લોકોએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરનારાઓની પોલીસે ધરપકડ કરી હતી. યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે યુપી પોલીસ અને પ્રશાસને ખેડૂતોનો વિરોધ શરૂ થયા બાદથી સુરક્ષા જાળવી રાખી છે. અમને ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યું છે. તેમનો સહયોગ અને અમારા પ્રયત્નોથી અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બની નથી. આજે અમે પૂરતા સુરક્ષા દળ પણ તૈનાત કર્યા છે. યુપી-પીએસીની લગભગ ૧૪૪ કંપનીઓ, ૬ અર્ધસૈનિક કંપનીઓ સાથે વરિષ્ઠ અધિકારીઓ રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર તૈનાત કરવામાં આવી છે. અમે સેક્ટર / ઝોનલ પ્લાનિંગ કર્યું છે. ફુટ પેટ્રોલિંગ અને ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

(7:51 pm IST)