Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

હાર બાદ ટ્રમ્પની આબરૂ થઈ ધૂળધાણીઃ અમેરિકન ઇતિહાસમાં પ્રથમવાર પૂર્વ રાષ્ટ્રપતિને ગુપ્ત જાણકારીઓ નહીં અપાય

ન્યૂયોર્ક, તા.૬ : અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ હારેલા રાષ્ટ્રપતિને કલાસીફાઈડ ઈંટેલિજેંસ બ્રીફિંગ નહીં આપવામાં આવે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડને ખુદ આ વાતની જાણકારી આપી હતી. અમેરિકામાં એક શિષ્ટાચાર છે કે, હારેલા રાષ્ટ્રપતિને પણ ગુપ્ત જાણકારીઓ મળે છે, પરંતુ આ વખતે આમ નહીં થાય. બાઈડને કહ્યું છે કે, મારૂ માનવું છે કે, ટ્રમ્પ માટે આ પ્રકારની ગુપ્ત જાણકારીઓ હોવાનો કોઈ અર્થ નથી.

બાઈડનને એક વાતચીત દરમિયાન પુછવામાં આવ્યું હતું કે, તેમને શું કોઈ વાતનો ડર સતાવી રહ્યો છે? હકારમાં જવાબ આપતા બાઈડને કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે, આ મામલે કોઈ અનુંમાન લગાવવામાં આવે પણ એ વાત ચોક્કસ છે કે, ટ્રમ્પ આ પ્રકારની કોઈ પણ ગુપ્ત જાણકારી નહીં મળે.

બાઈડને આગળ ઉમેર્યું હતું કે, હું વિચારૂ છું કે, ટ્રમ્પને કોઈ પણ પ્રકારની ઈન્ટેલિજન્સ બ્રિફિંગ આપવાની કોઈ જરૂર નથી. તેમણે સામેથી સવાલ પુછતા કહ્યું હતું કે, શું તેમને જાણકારી આપવાનો કોઈ અર્થ છે ખરો? તેમને આ જાણકારી આપવાની શું અસર પડી. આમ પણ તેઓ સત્યને તોડી મરોડી નાખે છે અને કંઈ પણ નિવેદન આપે છે.

વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ સપ્તાહની શરૂઆતમાં આ મામલે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્ત જાણકારી આપવામાં આવશે કે કેમ તેના પર હજી ચર્ચા ચાલી રહી છે. કેટલાક ડેમોક્રેટિક સાંસદ અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના પૂર્વ અધિકારીઓએ પણ ટ્રમ્પને આ પ્રકારની જાણકારી આપવાને લઈને સવાલ ઉભા કર્યા હતાં.

(2:30 pm IST)