Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

માર્ચ મહિનાથી કોરોના વેકસીનનો ત્રીજો તબકકોઃ ૫૦ વર્ષ ઉપરનાને અપાશે

કચ્છમાં શિક્ષકોને રસી આપવાનો પ્રારંભઃ અન્યત્ર આવતા અઠવાડીયથી સરકારી શિક્ષકોને અપાશે

નવી દિલ્હીઃ દેશભરમાં ૫૫ લાખથી વધુ લોકોને કોરોના વેકસીન અપાઈ ચૂકી છે. ત્યારે પાટનગર સહિતના સ્થળોએ માર્ચથી ત્રીજો તબકકો શરૂ થશે તેમ જાણવા મળે છે. દેશની કુલ વસતીના ૧% ને પણ હજી રસી અપાયેલ નથી. ધીમેધીમે રસીકરણની ઝડપ વધતી જાય છે.

અત્યારે ગુજરાતમાં મેડીકલ, પોલીસ સહિત ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ અને વિવિધ સરકારી તંત્રોના અધીકારીઓને કોરોના વિરોધી રસી અપાઈ રહી છે.

દરમિયાન મળતા બિન સત્તાવાર નિર્દેશો મુજબ કચ્છમાં કેટલાક સ્થળે શિક્ષકોને રસી આપવાનું શરૂ થઈ ચુકયું છે. જયારે સોમવાર પછી આવતા અઠવાડીયાથી ગુજરાતમાં અન્યત્ર સરકારી શિક્ષકોને પણ રસીકરણ શરૂ થશે તેમ જાણવા મળે છે.

ત્રીજા તબકકામાં માર્ચ મહિનાથી ૫૦ વર્ષથી ઉપરના ભાઈ- બહેનોને કોરોના રસી આપવામાં આવશે. તેવું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાત થઈ નથી.ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ ૫ લાખ લોકોને રસીકરણ થઈ ચુકયુ છે. ગુજરાતની વસતી ૨૦૨૧ના અનુમાનિત આંકડા અનુસાર ૬.૪૮ કરોડ થવા જાય છે.

(11:22 am IST)