Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નિકાસમાં થયો ૩.૨ ટકાનો ઘટાડો

ડેરી પ્રોડકટસની નિકાસ પર કોરોના મહામારીની અસર

નવી દિલ્હી, તા.૬: કોરોના મહામારીના લીધે ડેરી પ્રોડકટસની નિકાસ પર પણ ખરાબ અસર થઇ છે. ગયા વર્ષે એપ્રિલ - ઓકટોબર ૨૦૨૦માં ડેરી પ્રોડકટસની નિકાસમાં ૩.૨ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડો રૂપિયામાં આંકવામાં આવ્યો છે. આ માહિતી કેન્દ્ર સરકારે ગઇકાલે સંસદમાં આપી હતી. સરકારે જણાવ્યું કે નિકાસમાં થયેલ નુકસાનને રિકવર કરવાની કોશિષ ચાલુ છે. રાજયસભાને અપાયેલ લેખિત જવાબમાં સંબંધિત ખાતાના પ્રધાન સંજીવકુમારે કહ્યું કે ડેરી ઇન્ડસ્ટ્રીને થયેલ નુકસાનની ભરપાઇ માટે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ક ફુડ પ્રોડકટસ એક્ષપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી () ઘણા પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટ કરી રહી છે.  નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર ડેરી પ્રોસેસીંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ (ડીઆઇડીએફ), નેશનલ  પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ (એનપીડીડી) અને સપોર્ટીગ ડેરી કોઓપરેટીવ્સ એન્ડ ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનને ઇમ્પ્લીમેન્ટ કરી રહી છે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે એપ્રીલ-ઓકટોબર ૨૦૧૯ની સરખામણીમાં એપ્રીલ-ઓકટોબર ૨૦૨૦માં ડેરી પ્રોડકટસની નિકાસમાં રૂપિયા પ્રમાણે ૩.૨ ટકાનો ઘટાડો થયો છે. તેમણે રાજયસભાને જણાવ્યું કે ચાલુ નાણાંકીય વર્ષના એપ્રીલ-ઓકટોબર ૨૦૨૦ના ગાળામાં ડેરી પ્રોડકટસની આયાતમાં પણ ઘટાડો રહ્યાો અને વોલ્યુમ તથા વેલ્યુ બંને રીતે તે ઘટાડો રહ્યો હતો. એપ્રિલ- ઓકટોબર ૨૦૨૦માં ૨૬૪૯૬.૫૬ ટન ડેરી પ્રોડકટસની આયાત થઇ હતી. જેની કિંમત ૮૦૫.૪૨ કરોડ હતી જેની સામે એપ્રિલ-ઓકટોબર ૨૦૧૯માં ૮૩૧.૮૨ કરોડ રૂપિયામાં ૩૩૮૨૯.૮૩ ટન ડેરી પ્રોડકટસની આયાત થઇ હતી.

અન્ય એક જવાબમાં કેન્દ્રીય પ્રધાને માહિતી આપી કે કોરોના મહામારીના કાળમાં ખેડૂતોને નાણાંકીય સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. જેનાથી નીપટવા માટે સરકારે મિલ્ક કોઓપરેટીવ્સના ડેરી ફાર્મર્સને કિસાન ક્રેડીટ કાર્ડ વિતરીત કરવા ખાસ પ્રકારે કામ કર્યુ હતું. આ કેમ્પેઇનની સમાપ્તી પર ડેરી ફાર્મર્સે ૫૨.૪૬ લાખ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૪૪.૮૩ લાખ ફોર્મ બેંકને સબમીટ કરાયા હતા.

(10:06 am IST)