Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કરાકોરમના પહાડો ઉપર ચીને ઘાતક ટાઈપ ૯૯એ ટેન્કો ગોઠવી

અવચંડા ચીનની સરહદ પર આડોડાઈ જારી : ચીનની ટેન્ક અંદાજે ૫૦૦૦ મીટરની ઊંચાઇ પર તૈનાત કરાઇ, ટાઇપ ૯૯એ ટેન્ક ચીનની સૌથી ઘાતક ટેન્ક છે

લદાખ, તા. ૫ : પૂર્વ લદ્દાખમાં ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં પોતાના સૌથી ઘાતક ટેક્ન ટાઈપ ૯૯એને તૈનાત કરી દીધી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ ના મતે ચીનની આ ટેક્ન અંદાજે ૫૦૦૦ મીટરની ઊંચાઇ પર તૈનાત કરાઇ છે. ચીને તાજેતરમાં પોતાની નવી ૧૫ ટેક્નના પહેલાં જથ્થાને પણ સામેલ કર્યો છે જે ટાઇપ ૯૯એની સાથે મળી જંગના મેદાનમાં ઉતરશે. ચીની અખબારે કહ્યું કે જો ફાયર પાવરની વાત કરીએ તો ટાઇપ ૯૯એ ટેક્ન ચીનની સૌથી ઘાતક ટેક્ન છે. તો ટાઇપ ૧૫ ટેક્ન ખૂબ જ ઝડપથી પ્રહાર કરવામાં સક્ષમ છે. આવો જાણીએ આ ચીની ટેક્ન ભારતના ટી-૯૦ ટેક્નની સામે કયાં છે.

ચીની નિષ્ણાતોનું કહેવું છે કે ભારે વજનવાળા ટાઇપ ૯૯એ મુખ્ય યુદ્ધક ટેક્ન ઑક્સિજનની અછત અને પહાડી વિસ્તારના લીધે પૂર્વ લદ્દાખમાં બહુ ખાસ કારગર નથી. જો કે ટાઈપ ૯૯એની બેજોડ તાકાત નિર્ણાયક છે. ચીની નિષ્ણાતોએ કહ્યું કે ટાઇપ ૧૫ લાઇટ ટેક્ન જો યુદ્ધ દરમ્યાન ફસાય છે તો તેની મદદ માટે ટાઈપ ૯૯એ ટેક્ન જંગના મેદાનમાં ઉતારી શકે છે. બીજીબાજુ સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે ચીનનો આ મુખ્ય યુદ્ધક ટેક્ન અમેરિકા કે રૂસના કોઇ ટેક્નથી નબળી નથી. ચીનની આ થર્ડ જનરેશનની ટેક્ન છે અને તેની અંદર ઘાતક દારૂગોળો મોટા આકારના ગોળા દાગનાર તોપો અને શ્રેષ્ઠ ફાયર કંટ્રોલ સિસ્ટમ તથા એડવાન્સડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે.

 ચીન ટાઇપ ૯૯એ ટેક્ન ભારતની ટી-૯૦ ટેક્ન કરતાં ભારે છે તેને ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં ડ્રેગનના દુસાહસના જવાબ આપવા માટે તૈનાત કરી છે. ટી-૯૦ ટેક્નનું વજન ૪૮ ટન છે તો ચીનના ટાઇપ ૯૯એ ટેક્નનું વજન ૫૭ ટન છે. નિષ્ણાતોનું કહેવું છે કે લદ્દાખના પહાડી વિસ્તારોમાં જે ટેક્ન વધુ હલકી હશે તે વધુ કારગર નીવડશે. ચીન અને ભારત બંનેની ટેક્ન એન્ટી ટેક્ન મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે.

ચીનના ટાઇપ ૯૯એ ટેક્ન સ્પીડના મામલામાં ભારતીય ટી-૯૦ ટેક્ન કરતાં આગળ છે. ચીની ટેક્નની સ્પીડ ૫૦ માઇલ પ્રતિકલાક છે, તો ભારતીય ટી-૯૦ ટેક્ન ૪૨થી ૪૫ માઇલ પ્રતિકલાકની રફતારથી રસ્તા પર દોડી શકે છે. એક વખત ટેક્નમાં ઇંધણ ભર્યા બાદ ટી-૯૦ ટેક્ન અને ટાઇપ એ૯૯ ટેક્ન અંદાજે ૩૦૦ માઇલ સુધી દોડી શકે છે. ટાઇપ ૯૯એ ટેક્નની તકનીકને ચીને હજી સુધી કોઇ દેશના આપી નથી પરંતુ ભારતીય ટેક્નની ઘણી બધી માહિતી ચીનની પાસે છે. કુલ મળીને કહીએ તો ચીની ટેક્ન અત્યાધુનિક છે પરંતુ ભારતની ટી-૯૦ ટેક્ન તેને બર્બાદ કરવાની પૂરી તાકાત ધરાવે છે. આ જ કારણ છે કે ભારતે પૂર્વ લદ્દાખમાં ચીનના પડકારને ઉકેલવા માટે ટી-૯૦ ટેક્નને તૈનાત કરી છે.

(12:00 am IST)