Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પ્રાઇવેટ જમીન ઉપર ખડકાઇ ગયેલી ગેરકાયદે ઝુપડપટ્ટીની જગ્યાએ હવે બનશે આવાસ યોજના

સરકારે પ્રાઇવેટ જમીન પર સ્લમના રીડેવલપમેન્ટની યોજના ઘડીઃ દબાણ થયેલી જમીન થશે મુકત : માલિકને પણ લાભ : સરકારને પણ લાભ : શહેરો બનશે સ્લમ ફ્રી

નવી દિલ્હી તા. ૬ : સ્લમ ફ્રી ગુજરાત પોલીસીના ભાગ રૂપે ગુજરાત સરકાર હવે પ્રાઇવેટ જમીન ઉપર સ્લમ્સનું રીડેવલપમેન્ટ કરવા માંગે છે. હાલ માત્ર મ્યુ. કોર્પો. કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીન ઉપર જ સ્લમ્સ (ઝુપડપટ્ટી)નું રીડેવલપમેન્ટ થાય છે.

આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું કે, 'સરકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને એવી પ્રાઇવેટ જમીનોનો ડેટા એકત્રીત કરવા જણાવ્યું છે કે જે હવે સ્લમમાં ફેરવાઈ ચૂકી છે.'

અધિકારીએ જણાવ્યું કે, 'અનેક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રજૂઆતો કરવામાં આવ્યા બાદ સરકારે આ દિશમાં વિચારણા હાથ ધરી છે અને આવી જમીનોના રીડેવલોપમેન્ટ માટે સરકાર વધારાની FSI, TDR, કોમર્શિયલ વિકાસ માટે જમીન, તેમજ સ્લમમાં રહેતા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર જેવી અનેક સુવિધાો અને ઇન્સેન્ટિવ આપવાનું વિચારી રહી છે.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા અનેક શહેરોમાં પોતાની માલિકીની જમીન ધરાવતા અને જેમની જમીન પર ગેરકાયદેસર રીતે ઝૂંપડપટ્ટીઓ બની ગઈ છે તેવા લોકોએ રાજય સરકારને અપીલ કરી છે. જમીન પર દબાણ અને કાયદાકીય વાંધાવચકામાં પડી હોવાથી પોતાની જમીન હોવા છતા આ લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી.'

તેમણે જણાવ્યું કે, 'આવા સ્લમ્સ ગેરકાયદે હોવાની સાથે સાથે નિયમો વગર બંધાયેલ હોવાથી શહેરોમાં ટ્રાફિક જામથી લઈને બીજી પણ અનેક સમસ્યા ઉભી કરી છે. જેમ કે આવા વિસ્તારમાં સ્વચ્છતા ન બરાબર હોય છે જેના કારણે બીમારીઓ વધે છે. તો બીજી તરફ ગેરકાયદેસર ઝૂંપડા બનેલા હોવાથી સીવેજ અને ટોયલેટ જેવી વ્યવસ્થા હોતી નથી તેના કારણે ખુલ્લામાં હાજત ને ગંદવાડની સમસ્યા પણ વકરે છે. જયારે બીજી તરફ રાજય અને કેન્દ્ર સરકારની નીતિ છે કે શહેરો સ્લમ ફ્રી બને અને દરેક લોકોને એક ગુણવત્ત્।ા ધરાવતું જીવન મળે. જેને ધ્યાને રાખીને પ્રાઇવેટ જમીન પર સ્લમના રીડેવલોપમેન્ટ માટેની નીતિ તૈયાર કરવામાં આવી છે.'

'અહીં બિલ્ડિંગો બનવાથી નાના વિસ્તારમાં ઘણા લોકો રહી શકશે. તેમજ વર્ટિકલ ડેવલોપમેન્ટ થવાથી જેમની વ્યકિતગત માલિકીની જમીન પર દબાણ થયું છે તેનો ઘણોખરો ભાગ મુકત થશે અને તેઓ પોતાની જમીનનો ઉપયોગ કરી શકશે. તેમજ જે ડેવલોપર આવી જમીન પર રીડેવલોપમેન્ટ કરશે તેમને કોમર્શિયલ વપરાશ માટે જમીનનો એક ભાગ મળશે. જયારે સ્લમમાં રહેતા લોકોને તમામ જીવન જરુરિયાતની બેઝિક સુવિધાઓ સાથેનું પાક્કું મકાન મળશે. સાથે જ તેમના નામે ટાઇટલ કિલયર સંપત્તિ પણ મળશે તેમજ પ્રધામંત્રી આવાસ યોજનાના લાભોનો ફાયદો પણ મળશે.' સૂત્રોએ જણાવ્યું કે, 'આવા જે કોઈ પ્રાઇવેટ પ્લોટ પર સ્લમ વિસ્તાર હશે તેમને ટાઉન પ્લાનિંગ સ્કિમમાં પણ સમાવવામાં આવશે. આ સૂચિત પોલિસી અંતર્ગત સરકાર ડેવલોપમેન્ટના હક્ક અને કાયદાકીય મદદની તમામ સુવિધા પૂરી પાડશે. તેમજ આવા પ્લોટના રીડેવલોપમેન્ટ માટે સ્લમમાં રહેતા કુલ લોકોના ૬૦% વ્યકિતઓની જ મંજૂરી જોઈશે.'(૨૧.૯)

(11:23 am IST)