Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હવે ટ્રેનોમાં મુસાફરી દરમિયાન દુનિયાભરના મેગેઝિન્સ, છાપા ડિસ્કાઉન્ટ ભાવે વાંચવા મળશે

IRCTC યુઝર્સને કસ્ટમાઈઝડ પેકેજીસ સાથે તેમજ સાત દિવસના : ફ્રી ટ્રાયલ પેકેજ સાથે મોટા ડિસ્કાઉન્ટ ભાવ સાથે આ સુવિધા મળશે

મુંબઈ તા. ૬ : હવે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે દુનિયાભરનાં છાપાં અને મેગેઝિન્સ ડિસ્કાઉન્ટ પર વાંચવા મળશે. આ ડિસ્કાઉન્ટ IRCTCની ટિકિટ બુકિંગ વેબસાઈટ પર મળશે, કારણ કે રેલવે તંત્રએ અગ્રગણ્ય ડિજિટલ ન્યૂઝસ્ટેન્ડ મેગ્ઝસ્ટર સાથે સહયોગ કર્યો છે.

આ ભાગીદારી અનુસાર, રેલવે પ્રવાસીઓ એકસકલુઝિવ ઓફર અંતર્ગત ૫૦૦૦થી વધુ બેસ્ટ-સેલિંગ મેગેઝિન્સ અને પસંદગીકૃત અખબારો એમનાં ફોન કે ટેબ્લેટ્સ પર અનલિમિટેડ એકસેસ મેળવી શકશે.

આ મેગેઝિન્સ ૪૦થી વધુ કેટેગરીમાં મળશે જેમ કે ઓટોમોટિવ, બિઝનેસ, કોમિકસ, શિક્ષણ, મનોરંજન, ફેશન, ફિટનેસ, લાઈફસ્ટાઈલ, સમાચાર, રાજકારણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ટ્રાવેલ. મતલબ કે ૬ વર્ષનાં બાળકથી લઈને ૬૦ વર્ષનાં પ્રૌઢ, વૃદ્ઘજનોને પણ વાંચનની ભરપૂર સામગ્રી મળી રહેશે. આ સુવિધા હાલ irctc.co.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

IRCTC યુઝર્સને કસ્ટમાઈઝડ પેકેજીસ સાથે તેમજ સાત દિવસના ફ્રી ટ્રાયલ પેકેજ સાથે મોટા ડિસ્કાઉન્ટ ભાવ સાથે આ સુવિધા મળશે.

IRCTC યુઝર્સ ૨૦ રૂપિયામાં એક દિવસથી લઈને ૪૯૯ રૂપિયામાં એક વર્ષ સુધીની અલગ અલગ પ્રકારના પેકસ પસંદ કરી શકે છે અને અમર્યાદિત સમય માટે વાંચન કરી શકે છે.

રેલવે પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવાસ કરતાં કરતાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત તમામ મોટાં દેશોનાં છાપાં અને મેગેઝિન્સનો અનલિમિટેડ એકસેસ મળી શકશે.

રેલવે પ્રવાસી એમના ડિવાઈસ પર મેગેઝિન્સ ડાઉનલોડ કરી લે એ પછી ઈન્ટરનેટ કનેકશન ન હોય તો પણ તેઓ વાંચન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, મેગ્ઝસ્ટર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી સહિત તમામ પ્રાદેશિક ભાષાઓમાં મેગેઝિન્સ ઉપલબ્ધ કરાવી આપે છે.(૨૧.૪)

(10:30 am IST)