Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આધારને લેમિનેશન કે પ્લાસ્ટિક સ્માર્ટકાર્ડ બનાવતા ચેતજો:અંગત જાણકારી થઇ શકે ચોરી

આધારનો QR કોડ કામ કરવાનું બંધ કરી દેશે :અન અધિકૃત પ્રિન્ટિંગ કરાવવી સજાપાત્ર ગુનો :જેલ પણ થઈ શકે છે.

નવી દિલ્હી:આધારકાર્ડને લેમિનેશન અથવા પ્લાસ્ટિક સ્માર્ટકાર્ડ બનાવતા પહેલા ચેતવું જરૂરી છે આમ કરવાથી તમારા આધારનો QR કોડ કામ કરવાનું બંધ કરી દેશે અથવા તમારી અંગત જાણકારી ચોરી થઈ શકે છે. ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI)એ આના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આવું કરવાથી તમારી પરવાનગી વિના જ તમારી જાણકારી અન્ય સુધી પહોંચી શકે છે.

    UIDAI કહ્યું કે, આધારનો કોઈ એક હિસ્સો અથવા મોબાઈલ આધાર પૂર્ણ રીતે વેલિડ છે. આધાર સ્માર્ટ કાર્ડ્ઝના પ્રીન્ટિંગ પર 50 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો ખર્ચ આવે છે જે પૂર્ણ રીતે બિનજરૂરી છે. UIDAI દ્વારા કહેવામાં આવ્યું કે, ‘પ્લાસ્ટિક અથવા PVC આધાર સ્માર્ટ કાર્ડ્ઝ ઘણીવાર બિનજરૂરી હોય છે.આનાથી ક્વિક રિસ્પોન્સ કૉડ કામ કરવાનું બંધ કરી દે છે. આ પ્રકારની અમાન્ય પ્રિન્ટિંગથી QR કોડ કામ કરવાનું બંધ કરી શકે છે.

   આધાર એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે, તમારી પરવાનગી વિના ખોટા લોકો તમારી અંગત માહિતી ચોરી શકે છે.
   UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે, પ્લાસ્ટિકનું આધાર સ્માર્ટ કાર્ડ પૂર્ણ રીતે બિન-જરૂરી અને વ્યર્થ હોય છે. સામાન્ય કાગળ પર ડાઉનલોડ કરવામાં આવેલું આધાર કાર્ડ અથવા મોબાઈલ આધાર કાર્ડ પૂર્ણ રીતે વેલિડ છે.

   પાંડેએ કહ્યું કે, ‘સ્માર્ટ અથવા પ્લાસ્ટિક કાર્ડનો કોઈ કૉન્સેપ્ટ જ નથી.એટલું જ નહીં લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે, કોઈપણ અન અધિકૃત વ્યક્તિ સાથે તમારો આધાર નંબર શેર ન કરો. એટલું જ નહીં UIDAIએ આધાર કાર્ડ્ઝ ડિટેલ મેળવનારી અનાધિકૃત એજન્સીઓને પણ ચેતવણી આપતા કહ્યું છે કે, આધાર કાર્ડની જાણકારી મેળવવી તથા તેની અન અધિકૃત પ્રિન્ટિંગ કરાવવી સજાપાત્ર ગુનો છે. આવું કરનારને જેલ પણ થઈ શકે છે.

(8:40 pm IST)