Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અગ્નિ-૧ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

અગ્નિ-૧ ૭૦૦ કિમી સુધી ત્રાટકવામાં સક્ષમ : ઓરિસ્સાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ પરથી સવારે સફળ પરીક્ષણ : અગ્નિ-૧ મિસાઇલની અનેક વિશેષતા

નવીદિલ્હી, તા. ૬ : ભારતે આજે પરમાણુ સક્ષમ અને ૭૦૦ કિલોમીટર સુધી ત્રાટકવામાં સક્ષમ સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવેલી અગ્નિ-૧ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ ઓરિસ્સાના દરિયાકાંઠા અબ્દુલ કલામ દ્વીપ ઉપર સવારે ૮.૩૦ વાગે ભારતીય સેનાની સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. પરીક્ષણ માટે નક્કી કરવામાં આવેલા તમામ ધારાધોરણ મુજબ આ મિસાઇલ ટેસ્ટમાં પાર ઉતરતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. જમીનથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલનું આજે સવારે ૮.૩૦ મિનિટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ બિલકુલ સફળ રહ્યું હતું. આ અગાઉ ૨૭મી નવેમ્બર ૨૦૧૫ના દિવસે અગ્નિ-૧નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે પહેલા અગ્નિ-૧ મિસાઇલનું છેલ્લુ પરીક્ષણ ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. ૧૨ ટન વજન ધરાવતી અને ૧૫ મીટરની લંબાઈ ધરાવતી અગ્નિ-૧ મિસાઇલ પોતાની સાથે એક ટનથી વધુ પેલોડ લઇને ત્રાટકવામાં સક્ષમ છે. પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો ખાસરીતે ઉપસ્થિત રહ્યા હતા. ભારતે હાલમાં મિસાઇલ પરીક્ષણોનો દોર જારી રાખ્યો છે. પ્રવર્તમાન આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે ભારતે વ્યૂહાત્મક હિલચાલના ભાગરુપ મિસાઇલના પરીક્ષણ કર્યા છે. અત્રે નોંધનીય છે કે, ૧૮મી જાન્યુઆરીના દિવસે ભારતે ખુબ જ શક્તિશાળી અતિ આધુનિક પરમાણુ સક્ષમ અગ્નિ-૫ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ કરીને તેની તાકાતનો પરિચય ફરી એકવાર આપ્યો હતો. ઓરિસ્સાના દરિયાકાઠા પર અબ્દુલ કલામ આઇલેન્ડથી આ મિસાઇલનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આની સાથે જ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં તેના સમાવેશની દિશામાં પણ ભારતે મોટુ પગલુ લીધુ હતું. મિસાઇલની વિશેષતા પણ અનેકગણી રહેલી છે. આ મિસાઇલ અવાજ કરતા પણ ૨૪ ગણી વધુ ઝડપથી ત્રાટકી શકે છે. ૫૦ ટન વજન મિસાઇલનું રહેલું છે. અગ્નિ-૫નું અંતિમ ટેસ્ટ ૨૬મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે કરાયું હતું તે પહેલા ૧૯મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે પ્રથમ પરીક્ષણ, ૧૫મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે બીજુ પરીક્ષણ અને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ત્રીજુ પરીક્ષણ કરાયું હતું.

અગ્નિ-૧ પ્રોફાઈલ

ટાઈપ          :        ઇન્ટરમીડીયટ રેન્જની બેલાસ્ટિક

                મિસાઇલ

મૂળ સ્થળ      :        ભારત

ઉપયોગ        :        ભારતીય સેના

મેન્યુફેક્ચરર   :        ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ

                ઓર્ગેનાઇઝેશન

યુનિટ ખર્ચ     :        ૨૫૦-૩૫૦ મિલિયન રૂપિયા

વજન          :        ૧૨૦૦૦ કિલોગ્રામ

લંબાઈ         :        ૧૫ મીટર

ડાયામીટર      :        ૧ મીટર

વોરહેડ         :        સ્ટ્રેટેજીક ન્યુક્લીયર (૧૫થી ૨૫૦ કેટી)

એન્જીન        :        સિંગલ સ્ટેજ

ઓપરેશનલ રેન્જ       :       ૭૦૦થી ૧૨૫૦કિમી

ભારતીય શસ્ત્રાગાર...

                નવી દિલ્હી,તા. ૬ : ભારતે આજે પરમાણુ સક્ષમ અને ૭૦૦ કિલોમીટર સુધી ત્રાટકવામાં સક્ષમ સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવેલી અગ્નિ-૧ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારત પાસે રહેલી મિસાઇલો નીચે મુજબ છે.

અગ્નિ-૧....................................... ૭૦૦ કિમી રેન્જ

અગ્નિ-૨....................................... ૨૦૦૦ કિમી રેન્જ

અગ્નિ-૩....................................... ૩૦૦૦ કિમી રેન્જ

અગ્નિ-૪....................................... ૩૫૦૦ કિમી રેન્જ

અગ્નિ-૫....................................... ૫૦૦૦ કિમી રેન્જ

પૃથ્વી-૧........................................ ૧૫૦ કિમી રેન્જ

પૃથ્વી-૨........................................ ૩૫૦ કિમી રેન્જ

પૃથ્વી-૩        ૩૫૦-૬૦૦ કિમી રેન્જ

(7:49 pm IST)