Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શેરબજારઃ એક જ દિવસમાં બફેટ, ઝુકર્બર્ગ અને બેઝોસે કરોડો ગૂમાવ્યા

એક જ દિવસમાં ટોચના બિલિયોનર્સના ૧૮.૮ બિલિયન ડોલર ધોવાયા : અનેક રોકાણકારોએ ગૂમાવી વર્ષભરની કમાણીઃ વરેન બફેટને થયું સૌથી વધુ નુકસાન

નવી દિલ્હી તા. ૬ : સોમવારે અમેરિકન શેરમાર્કેટ ડાઉ જોન્સમાં બોલેલા કડાકાથી વિશ્વના ટોચના અમિરોના પણ લાખો-કરોડો રુપિયા ધોવાઈ ગયા હતા. સોમવારે ડાઉ જોન્સ ૧૦૦૦ પોઇન્ટના ગાબડા સાથે ઉંધા માથે પટકાયું હતું.

 

ડાઉ જોન્સ ૧,૧૭૫ પોઇન્ટ ઘટ્યો હતો જે રેકોર્ડબ્રેક ઘટાડો છે. આ એક જ દિવસના કડાકામાં લોકોએ ટોપના શેર્સમાં રોકાણ કરી વર્ષભરમાં કમાયેલો નફો ગુમાવી દીધો છે. ડાઉ જોન્સમાં અમેરિકાની ૩૦ મોટી કંપનીઓ લિસ્ટેડ છે. જયારે S&P ૫૦૦ અને નાસ્ડેકમાં પણ સોમવારે ૪% જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો હતો.

જો અહેવાલોનું માનીએ તો વરેન બફેટ આ આ ઘટાડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. એક જ દિવસમાં તેમની ૫.૩ બિલિયન ડોલર જટેલી સંપત્તિ ધોવાઈ ગઈ છે. જે તેમની કૂલ સંપત્તિના ૬% જેટલી છે. જોકે તેમ છતા આજે પણ તેઓ વિશ્વના ત્રીજા નંબરના સૌથી વધુ ધનવાન વ્યકિત છે.

ફોર્બ્સ રીઅલ ટાઇમ બિલિયોનર રેન્કિંગ્સ મુજબ સોમવારે સંપત્તિના ધોવાણ બાદ વરેન બફેટની કૂલ સંપત્તિ ૮૪.૬ બિલિયન ડોલર છે. બફેટ બાદ સોમવારે જો બીજા કોઈને સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું હોય તો તે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકર્બર્ગ છે.

સોમવારે આવાલા માર્કેટ ભૂકંપમાં ઝુકરબર્ગની કુલ સંપત્તિના ૪.૭% એટલે કે ૩.૬ બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. જયારે ફેસબુકના પોતાના શેરની કિંમત ૫્રુ જેટલી ઘટી ગઈ હતી. આ સાથે જ દિવસના અંતે ઝુકરબર્ગની કુલ સંપત્તિ ૭૩.૧ બિલિયન ડોલર છે.

જયારે દુનિયાના સૌથી પહેલા નંબરના ધનવાન એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિમાં આ ઘટાડાથી કુલ ૩.૨ બિલિયન ડોલરનો કડાકો બોલ્યો છે. આ એકઝેકટલી એટલી જ રકમ છે જે તેણે ગત સપ્તાહે એમેઝોનના ત્રિમાસિક પરિણામ પછી કમાઈ હતી. આજે પણ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે.

આ ઘટાડા બાદ તેની કુલ સંપત્તિ ૧૧૫.૭ બિલિયન ડોલર છે જે તેમના પછી બીજા નંબરના સૌથી વધુ ધનવાન વ્યકિત માઇક્રોસોફટના બિલ ગેટ્સની કુલ સંપત્તિ કરતા ૨૫ બિલિયન ડોલર વધુ છે. આ જ રીતે ટેક જાયન્ટ ગૂગલના સહસ્થાપક લેરી પેજ અને સેર્ગેઇ બ્રિન બંનેની સંપત્તિમાં ૨.૨ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરની કિંમતમાં ૫% જેટલો જંગી ઘટાડો નોધાયો છે. તો ઓરેકલના ફાઉન્ડર લેરી એલિસનના સંપત્તિમાં પણ ૨.૨ બિલિયનનો ઘટાડો નોંધાયો છે. આમ વિશ્વના ટોપના ૬ અબજોપતિઓની સંપત્તિમાં એક જ દિવસમાં કુલ ૧૮.૮ બિલિયનનો ઘટાડો નોંધાયો છે.

જોકે આ બિલિયોનર્સની સંપત્તિ શેર માર્કેટની તેજી વખતે આટલી જ ઝડપે વધી પણ હતી. એકલા ૨૦૧૭માં S&P ઇન્ડેકસમાં ૧૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે વિશ્વના સૌથી વધુ ધનવાન જેફ બેઝોસની સંપત્તિમાં છેલ્લા ૪ મહિનામાં ૨૮ બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે.(૨૧.૩૬)

 

(3:38 pm IST)