Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સલમાને આ ઘોડાને બે કરોડમાં ખરીદવાની તૈયારી બતાવી પણ માલિકને વેચવો નથી

મુંબઇ તા.૬ :  હેં !? કોઇ ઘોડાની કિંમત બે કરોડ રૂપિયા લગાવવામાં આવે તો શાયદ જ કોઇ એને ઠુકરાવી શકે, પરંતુ સુરતમાં એક ઘોડાના માલિકે આટલી મોટી કિંમત મળતી હોવા છતાં ઘોડો વેચવાની ના પાડી દીધી. સુરતની પાસે ઓલપાડ શહેરમાં રહેતા સિરાજખાન પઠાણ પાસે છ વર્ષનો સકાબ નામનો ઘોડો હતો. આ ઘોડો ખરીદવા માટે કેટલાય લોકોએ મોટી ઓફર કરી હતી પણ માલિક એને વેચવા તૈયાર નથી. થોડા વખત પહેલા પંજાબના બાદલ પરિવારે આ ઘોડાના ૧.૧૧ કરોડ આપવાની ઓફર આપી હતી. હવે બોલીવુડ એકટર સલમાન ખાને એક એજન્ટના માધ્યમથી આ ઘોડાને બે કરોડ રૂપિયામાં ખરીદવાની ઇચ્છા બતાવી છે પણ સિરાજખાને ઓફર ઠુકરાવી દીધી છે. સકાબ જે પ્રજાતિનો ઘોડો છે એવા બીજા માત્ર બે જ ઘોડા આ દુનિયામાં છે એમાંથી એક છે કેનેડા અને બીજો અમેરિકામાં છે. સકાબની ખાસિયત એ છે કે તે ૪૩ કિલોમીટર પ્રતિકલાકની ગતિએ દોડે છે અને એની ચાલ કોઇ જમ્પ વિનાની હોવાથી ઘોડેસવારને કોઇ જ પરેશાની નથી થતી. સિરાજ આ ઘોડાને ૧૪.પ લાખ રૂપિયામાં રાજસ્થાનના બાલોતરાના મેળામાંથી ખરીદી લાવ્યા હતા. એ વખતે એની ઉંમર ૬ વર્ષની હતી. આ ઘોડાની એક આંખ કાળી અને બીજી આંખ સફેદ હોવાથી કેટલાક લોકો એને અપશુકનિયાળ માનતા હતા. પહેલા એનુ નામ તુફાન હતુ. એ પછી પવન નામ પડયુ અને સિરાજે એને નવુ નામ સકાબ આપ્યુ. સકાબ અત્યાર સુધીમાં ૧૯ રેસ જીતી ચુકયો છે અને કદી હાર્યો નથી. અલબત તેણે રેસકોર્ષમાં થતી ડર્બીમાં ભાગ નથી લીધો. સિરાજ કહે છે કે મારો ઘોડો માણસની હાજરીને પારખી જાય છે. એની સ્પીડ જોઇને કોઇને લાગે કે આ ઘોડો તેને અડફેટે લઇ લેશે પરંતુ એ છેક આખરી સમયે સામેથી હટી જાય છે.(૩-૬)

(10:47 am IST)