Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઓનલાઇન બાદ હવે આવી રહ્યા છે શોપિંગના નવા પ્રકાર

ભવિષ્યમાં આમ બદલાઇ જશે તમારી ખરીદી

નવી દિલ્હી તા. ૩ : બે દશક પહેલાં ઓનલાઇન શોપિંગ વિશે કલ્પના કરવી મુશ્કેલ હતી. શું તમે કયારેય વિચાર્યું હતું કે, જરૂરિયાતનો સામાન એક કિલક કરવાથી તમારા ઘરે પહોંચી જશે? શોપિંગની દુનિયામાં આ અંતિમ બદલાવ નથી. ઘણી કંપનીઓ તેનાથી આગળ વધી ગઈ છે. આવો તમને જણાવીએ કે, ભવિષ્યમાં ખરીદી કેટલી દિલચલ્પ થવાની છે.

એમેઝોન ગોઃ સામાન લઇને નીકળી જાવ

સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમઝોને હાલમાં જ એક ઓટોમેટેડ કિરાણા સ્ટોરની શરૂઆત કરી છે, જેનો મંત્ર છે 'જસ્ટ વોક આઉટ'. તેમાં બિલિંગ માટે કેશિયર હોતા નથી. તમે જરૂરિયાત મુજબનો સામાન બેગમાં મૂકી નીકળી શકો છો. બસ સ્ટોરમાં એન્ટ્રી પહેલાં તમારે તેમની એપમાં સાઇન ઇન કરવાનું રહેશે. તે તમારી ખરીદી પર નજર રાખશે અને બહાર નીકળ્યા બાદ બિલ એમાઉન્ટ પણ ચાર્જ કરી લેશે.

F5 ફયૂચર સ્ટોર

ગુઆનઝાઉ સ્થિત F5 સ્ટોર ૨૪ કલાક ચાલુ રહે છે અને તેમાં કોઈ કર્મચારી હોતો નથી. તેની સિસ્ટમ ખૂબ સ્માર્ટ છે અને કસ્ટમર ત્રણ રીતે તેની ખરીદી કરી શકે છે. પહેલી- એપ પર ઓર્ડર આપો અને નજીકના F5 ફયૂચર સ્ટોરમાંથી સામાન લઈ લો. બીજી- કસ્ટમર સેલ્ફ સર્વિસ ટર્મિનલ્સ પર ઓર્ડર આપી શકો છો અને ત્રીજી રીતમાં ગ્રાહક સામાનના QR કોડ્સ સ્ટોરમાં સ્કેન કરશે અને મશીન ઓર્ડરને પ્રોસેસ કરશે.

પ્રોડકટ વિનાનો સ્ટોર

૨૦૧૬માં સેમસંગે ન્યૂ યોર્કમાં એક એવા સ્ટોરની શરૂઆત કરી હતી, જેમાં કોઈ પણ સામાન વેચવા માટે રાખવામાં આવ્યો નહોતો. તેમાં ડિજિટલ સ્ક્રીન્સ, મલ્ટિમીડિયા સ્ટુડિયો અને ડેમો કિચન છે, જેમાં કસ્ટમર્સને સ્માર્ટ એપ્લાયન્સીસ બતાવવામાં આવે છે. બાયોમેટ્રિક સ્કેન અને ARની મદદથી કસ્ટમર કપડાંના રંગ અને ડિઝાઇન જોવાની સાથે તેને ફીલ પણ કરી શકે છે.

એમઝોન પ્રાઇમ એર

એમઝોન ડ્રોન બેસ્ડ ડિલિવરી સિસ્ટમ તૈયાર કરી રહી છે. UAVની મદદથી એમઝોન ઓર્ડરની ૩૦ મિનિટની અંદર સામાન પહોંચાડશે. ઇંગ્લેન્ડમાં ડિસેમ્બર, ૨૦૧૬માં તેણે સફળતાપૂર્વક પ્રાઇમ એર પાર્સલ કેમ્બ્રિજ પહોંચાડ્યાં હતાં.

ઘરે બેઠા દુકાનમાં ખરીદી

સ્વીડનમાં ઘરેલુ સામગ્રી વેચતી મોટી કંપની Ikeaએ હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન વર્ચ્યુઅલ રિયલ્ટી ડેસ્ટિનેશનની શરૂઆત કરી છે, જેની મદદથી કસ્ટમર સ્ટોરમાં હોય તેવું ફીલ કરવાની સાથે ખરીદી પણ કરશે અને સામગ્રી તેના ઘરે પહોંચી જશે.

ઓર્ડર વિના ઘરે આવશે સામાન

એમઝોન ટૂંક સમયમાં તમારા ઘરે ઓર્ડર વિના સામાન મોકલી દેશે. કંપનીએ 'એન્ટિસિપેટરી શિપિંગ'ની પેટેન્ટ લીધી છે. તેનાથી સિસ્ટમ અંતર્ગત તમારી જૂની ખરીદી અને સાઇટ સર્ચ હિસ્ટ્રીના આધાર પર સામગ્રી તમને ઘરે મોકલવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, તેનાથી શિપિંગ ટાઇમમાં પણ ઘટાડો થશે.

ખરીદીમાં મદદ કરશે રોબોટ

અમેરિકન DIY ચેન Lowe કસ્ટમર સર્વિસ રોબોટ તૈયાર કરી રહી છે, જે ઘણી ભાષાઓમાં વાત કરી શકે છે. તે લોકોને શોપિંગમાં મદદ કરશે અને તેમને પ્રોડકટ્સની જાણકારી પણ આપશે.

(10:51 am IST)