Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કેરળ નથી જઇ શકતી ગીરની ગાયો

ગૌરક્ષકોનો આ તે કેવો ભય?

નવી દિલ્હી તા. ૬ : ગૌરક્ષકોના ભયને કારણે કેરળની LDF સરકારે ગુજરાતની પ્રખ્યાત ગીર ગાયોને ઉછેરવાનો મહત્વકાંક્ષી પ્રોજેકટ પડતો મૂકયો છે. કેરલાના પશુપાલન મંત્રી કે. રાજુના વડપણ હેઠળના ડેલિગેશને સપ્ટેમ્બરમાં ગુજરાતના એ સમયના પશુપાલનમંત્રી બાબુ બોખિરિયા સાથે સપ્ટેમ્બરમાં ૨૦૦ જેટલી ગીર ગાયને કેરળમાં ઉછેરવા માટે મુલાકાત કરી હતી. ગીરની ગાયો વધુ દૂધ આપવા માટે અને ડેરી વિભાગને બૂસ્ટ આપવા માટે જાણીતી છે. જો કે ગૌરક્ષકોના હુમલાથી ડરી ગયેલા રાજુએ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ગાયો પસાર થાય ત્યારે સઘન સુરક્ષાની માંગણી કરી હતી.

ચાર મહિના પછી કેરળનો રસ આ ડીલમાંથી ઊડી જતા તેમણે ડીલ કેન્સલ કરી દીધી છે. આ વાત પર મંજૂરીની મહોર મારતા રાજુએ જણાવ્યું કે, 'અત્યારે ગૌરક્ષકો દ્વારા હિંસાના કેસ વધી રહ્યા છે. તેમના હુમલાના ડરથી અમે ગીરની ગાયને કેરળ લઈ જવાની ડીલ કેન્સલ કરી દીધી છે.'

રાજુએ વધુમાં જણાવ્યું, 'અમે ગાયને ગુજરાતથી કેરળ ટ્રેનના માધ્યમથી લાવી શકાય કે નહિ તે શકયતા ચકાસી રહ્યા છીએ. અમે ગુજરાત સરકારને ફરી એક નવા પ્રસ્તાવ સાથે મળી શકીએ છીએ. બે ત્રણ મહિના બાદ ગાયને ટ્રેનના માધ્યમથી કેરળ લઈ આવવાનું આયોજન છે.' જો કે રાજયના પશુપાલન મંત્રી અને ગોસંવર્ધન મંત્રી બચુ ખબાડ પાસે કેરળ સાથેની ડીલ અંગે કોઈ માહિતી ઉપસ્થિત નથી.

ગીરની ગાય ગીરના જંગલો તથા આસપાસના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થાય છે. તે તેમની દૂધ આપવાની ક્ષમતા માટે જાણીતી છે. સુરક્ષાના અભાવે ગીરની ગાય કેરળ નથઈ જઈ શકતી. ઉલ્લેખનીય છે કે ગીરની ગાયની મદદથી દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં શ્વેત ક્રાંતિ આવી હતી અને દૂધનું ઉત્પાદન વધ્યુ હતુ.

(9:54 am IST)