Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

માલદીવમાં રાજકીય સંકટઃ ઇમર્જન્સી લાગુઃ પૂર્વ રાષ્ટ્રપતિ - મુખ્ય ન્યાયધીશની ધરપકડ

ભારતે વ્યકત કરી ચિંતાઃ પ્રવાસીઓને સાવચેત રહેવા સરકારે આપી સલાહ

માલે તા. ૬ : માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને ઇમર્જન્સીની જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે જ ત્યાં ચાલી રહેલું રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો. અહીંથી સંકટની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપતિ યામીને બદલાતા ઘટનાક્રમ વચ્ચે ૧૫ દિવસ માટે કટોકટીની જાહેરાત કરી છે.

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજકીય કેદીઓની મુકિતનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિના નિકટ ગણાતા અજિમા શુકૂરે સોમવારે સાંજે ટેલિવિઝન સંદેશ દ્વારા આ જાહેરાત કરી હતી. માલદીવના રાષ્ટ્રપતિના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પણ તેની જાણકારી આપવામાં આવી છે. આ આદેશની સાથે જ માલદીવના નાગરિકોના તમામ મૂળ અધિકાર રદ થઈ ગયા છે અને સુરક્ષાદળોને કોઈ પણ શંકાના આધારે ધરપકડ કરવાની સત્તા મળી ગઈ છે.

આ સૂચના મુજબ, માલદીવના અનુચ્છેદ ૨૫૩ અંતર્ગત આગામી ૧૫ દિવસ માટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને ઇમર્જન્સીની જાહેરાત કરી છે. આ સમયગાળામાં નાગરિકોના કેટલાક અધિકારો સીમિત રહેશે, પરંતુ સામાન્ય અવરજવર, સેવાઓ અને વેપાર પર તેની કોઈ અસર નહિ પડે.

૨૦૧૩થી યામીન માલદીવની સત્તા સંભાળી રહ્યા છે. તેમની પર અમેરિકાની સાથે ભારત તરફથી પણ સતત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદની મુકિતનું દબાણ કરવામાં આવી રહ્યું છે. નાશીદને ૧૩ વર્ષની સજા થઈ હતી. આ સાથે જ આઠ અન્ય રાજકીય વિરોધીઓને જેલમાંથી મુકત કરવાનું પણ દબાણ છે.

માલદીવમાં સુરક્ષા દળોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો તોડવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ ભારતે ચિંતા વ્યકત કરતા નાગરિકોને માલદીવનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. તો અમેરિકાએ પણ કહ્યું છે કે, સરકારે કાયદાનું સન્માન કરવું જોઈએ.

ચાર લાખની આબાદી ધરાવતા માલદીવને પર્યટકોનું સ્વર્ગ કહેવાય છે. ૨૦૧૨માં પોલીસ વિદ્રોહ બાદ નાશીદે મજબૂરીમાં પદ છોડવું પડ્યું હતું. ત્યારથી અહીં રાજકીય અસ્થિરતા છે. સરકાર પહેલેથી જ સંસદ બરખાસ્ત કરી ચૂકી છે. આ સિવાય સૈન્યને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન વિરુદ્ઘ મહાભિયોગ લાવવાની કોશિશના અમલમાં લાવતા રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.(૨૧.૪)

 

(11:40 am IST)