Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

26 જાન્યુઆરીની રેલીનું હશે ટ્રેલર: કાલે બહાદુરગઢ અને ટિકરીથી સિંધુ બોર્ડર માટે હજારો ખેડૂત ટ્રેક્ટર પર રવાના

હરિયાણાની 250 મહિલાઓ કરશે ટ્રેક્ટર પરેડની આગેવાની :ખેડૂતોએ ટિકરી બોર્ડર પર પાક્કા નિર્માણ શરૂ કર્યા

નવી દિલ્હી : ખેડૂત આંદોલનને બુધવારે 42 દિવસ થઇ ગયા છે. ખેડૂત સંગઠનોએ જણાવ્યુ કે ગુરૂવારે બહાદુરગઢ અને ટિકરીથી સિંધુ બોર્ડર માટે હજારો ખેડૂત ટ્રેક્ટર પર રવાના થશે. જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ખેડૂત પણ સામેલ થશે. ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી છે કે આ ટ્રેક્ટર રેલી 26 જાન્યુઆરીએ નીકળનારી રેલીનું ટ્રેલર હશે.

 ખેડૂતોએ કહ્યુ કે સરકારે કૃષિ કાયદા પરત ના લીધા તો દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરશે. પરેડનું નેતૃત્વ પંજાબ અને હરિયાણાની મહિલાઓ કરશે. તે કઇ રીતે રેલીને અંજામ આપશે,તે વિચારી લીધુ છે. હરિયાણાની આશરે 250 મહિલાઓ ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઇ રહી છે. 

સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદાને રદ કરવાની અરજી પર બુધવારે સુનાવણી થઇ હતી. જસ્ટિસ એસએ બોબડેની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અટોર્ની જનરલ કેકે વેણુગોપાલને કહ્યુ કે સ્થિતિમાં કોઇ સુધાર નથી. સાથે જ કહ્યુ કે અમે ખેડૂતોની હાલત સમજીએ છીએ. હવે આ મામલે 11 જાન્યુઆરીએ સુનાવણી યોજાશે. આ વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ કૃષિ કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની વાત કહી છે, તેમણે કહ્યુ કે આ બિલકુલ સ્પષ્ટ છે કે આ કાયદો ખેડૂત વિરોધી છે. 

સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદા રદ કરવાની અરજી એક વકીલે કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ અને અટોર્ની જનરલે કહ્યુ, ‘ખેડૂતો સાથે સારા માહોલમાં વાતચીત થઇ રહી છે. બની શકે કે આવનારા સમયમાં કોઇ પરિણામ નીકળી શકે, માટે અત્યારે સુનાવણી કરવી યોગ્ય નહી હોય.’ કોર્ટે કહ્યુ કે ખેડૂતો સાથે વાતચીત ચાલુ રાખીશું.

ખેડૂત અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીની મીટિંગનું કોઇ પરિણામ આવ્યુ નહતું. 8 તારીખે ફરી ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે ચર્ચા થશે. મીટિંગમાં કૃષિ કાયદાને પરત લેવા અને MSP પર અલગ કાયદો બનાવવાની માંગ પર વાત થશે. આ 9માં તબક્કાની બેઠક હશે. આ પહેલા માત્ર 7માં તબક્કાની મીટિંગમાં ખેડૂતોની 2 માંગો પર સહમતિ બની શકી હતી, બાકી તમામ બેઠકનું પરિણામ આવ્યુ નહતું.

 આંદોલનને લાંબુ ખેચાતા જોઇ ખેડૂતોએ ટિકરી બોર્ડર પર ઇટના પાક્કા ઘર બનાવવાનું શરૂ કરી દીધુ છે. વરસાદને કારણે તેમના ટેન્ટ પડી ગયા હતા. આંદોલન કરી રહેલા ખેડૂત રસ્તા વચ્ચે પાક્કી ઓફિસ પણ બનાવી રહ્યા છે. હવે તે ઢોર પણ લાવવાની તૈયારી કરી રહ્યા છે.

(11:33 pm IST)