Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

યુપી-બિહાર અને આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદની ચૂંટણીની તારીખ જાહેર: 28 જાન્યુઆરીએ મતદાન

ચૂંટણી અને પેટાચૂંટણી માટે 11 જાન્યુઆરીના રોજ નોટિફિકેશન જાહેર થશે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, બિહાર અને આંધ્ર પ્રદેશમા ખાલી થઈ રહેલી વિધાન પરિષદની સીટો માટે મતદાન અને મતગણતરીની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલી તારીખો અનુસાર આ ત્રણેય રાજ્યોમાં જે વિધાન પરિષદની સીટો ખાલી થઈ છે, તેમાં 28 જાન્યુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે સાંજે પાંચ કલાક બાદ મતગણતરી પણ થશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતો મુજબ આંધ્ર પ્રદેશમાં 1 વિધાન પરિષદની સીટે, બિહારની બે વિધાન પરિષદની સીટ અને ઉત્તર પ્રદેશની 12 વિધાનસભા સીટો માટે 28 જાન્યુઆરીની સવારે 9 કલાકથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને સાંજના 5 કલાક બાદ અહીં મતગણતરી યોજાશે.

28 જાન્યુઆરી યોજાનારી આ ચૂંટણી અને પેટાચૂંટણી માટે 11 જાન્યુઆરીના રોજ નોટિફિકેશન જાહેર થશે. નામાંકનની તારીખો 18 જાન્યુઆરીએ થશે અને નામાંકન ચકાસણી 19 જાન્યુઆરીએ રાખવામાં આવશે. નામ પાછા ખેંચવાની તારીખ 21 જાન્યુઆરી છે. અને મતદાન 28 જાન્યુઆરીએ યોજાશે.

(8:50 pm IST)