Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અર્જુન રામપાલની બહેનને ડ્રગ કેસમાં એનસીબી દ્વારા સમન્સ

અભિનેતાના ઘરેથી પ્રતિબંધિત દવાઓ મળી હતી : એનસીબીને રામપાલે પ્રિસ્ક્રિપ્શન બતાવ્યા હતા તે બોગસ હોવાનું કહેવાય છેઃ પૂછપરછ કરવા બહેનને બોલાવાઈ

મુંબઈ, તા. ૬ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બુધવારે બોલીવૂડ અભિનેતા અર્જૂન રામપાલની બહેન કોમલ રામપાલને ડ્રગ્સ કેસમાં સમન પાઠવ્યું છે. એનસીબીને અર્જૂન રામપાલના ઘરેથી મળેલી પ્રતિબંધિત દવાના મામલે કેટલીક પૂછપરછ કરવા કોમલ રામપાલને સમન મોકલવામાં આવ્યું છે. અગાઉ એનસીબીએ એક્ટર અર્જૂન રામપાલના ઘરે તપાસ કરી હતી ત્યારે પ્રતિબંધિત દવાઓ મળી હતી. એનસીબીને રામપાલે જે પ્રિસ્ક્રિપ્શન બતાવ્યા હતા તે બોગસ હોવાનું કહેવાય છે. આ મામલે વધુ પૂછપરછ કરવા તેની બહેનને એનસીબી કચેરીએ હાજર રહેવા જણાવાયું છે.

એસીબીના આ પગલાંથી અર્જૂન રામપાલના પરિવારના સભ્યોની મુશ્કેલી વધી શકે છે. અગાઉ ૨૧ ડિસેમ્બરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અર્જૂન રામપાલની ડ્રગ્સ કેસમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ એજન્સીને તેના જવાબથી સંતોષ થયો નહતો. ડ્રગ્સ કેસમાં અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલાની પણ એનસીબીએ પૂછપરછ કરી હતી.

એનસીબીએ અર્જૂન રામપાલના ઘરે દરોડો પાડ્યો હતો તે વખતે તેના કૂતરાના દુઃખાવાના દવા તેમજ તેની બહેનની દવાઓ મળી હતી. જો કે આ દવાઓ પ્રતિબંધિત હતી અને તેના પ્રિસ્ક્રિપ્શન બનાવટી હોવાનું જણાયું હતું.

કોમલ રામપાલ ૧૯૯૪માં મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ રહી હતી તેમજ અગાઉ તે એર હોસ્ટેસ અને સ્પા કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરતી હતી.

(7:40 pm IST)