Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મણિપુરની 9 વર્ષની બાળા લિસીપ્રિયા કંગુજમએ વિશ્વની સૌથી ગંભીર સમસ્‍યાનો ઉકેલ શોધી કાઢયોઃ હવામાંથી શુદ્ધ પાણી બનાવતુ ડિવાઇસ બનાવ્‍યુ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હવામાંથી પાણી તૈયાર કરવાનો એક વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાળકીએ વિશ્વની સૌથી ગંભીર સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હોવાનું દેખાય છે. આ બાળકી મણિપુરની9 વર્ષની પર્યાવરણ કાર્યકર લિસીપ્રિયા કંગુજમ છે. જેણે હવામાંથી શુદ્ધ પાણી બનાવતું ડિવાઇસ (યંત્ર) વિકસાવ્યું છે.

પાણી તૈયાર કરવા માટે કંગુજમ સોલર ઊર્જાની મદદ લે છે. તેનો દાવો છે કે કલાઇટમેટ ચેન્જને કારણે વિશ્વમાં સૌથી મહત્વના બની રહેલા પાણીની સમસ્યાનો આ અવિષ્કાર બાદ ઉકેલ આવી જશે.

વીડિયોમાં કંગુજમ જણાવે છે કે આ ડિવાઇસનું નામ સુકીફૂ-2 (Sukifu-2) છે. આ યંત્ર કોઇ પણ સ્થળે વાપરી શકાય છે. તેનાથી એક કલાકમાં 150 મીમી પાણી બનાવી શકાય છે. જ્યારે એક લીટર પાણી મેળવવા માટે 7-8 કલાક લાગશે.

એક લીટર પાણી બનાવવામાં ભલે 7-8 કલાક લાગતા હોય, પરંતુ કંગુજમના પ્રયાસને સોશિયલ મીડિયા યુઝર્સ બહુ વધાવી રહ્યા છે.

દિવસમાં એક ગેલન પાણી તૈયાર કરી શકવાનો દાવો

પર્યાવરણ કાર્યકર કંગુજમનું કહેવું છે કે આ યંત્રનું આઉટપુટ ઘણી વસ્તુઓને આધારિત છે. તેનાથી એક દિવસમાં એક ગેલન શુદ્ધ પાણી પણ તૈયાર કરી શકાય છે. જે પાણીની સમસ્યા ઉકેલવા બહુ મહત્વનું સાબિત થઇ શકે છે.

ભારતમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા જોખમોની વચ્ચે ભારતમાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરુપ લઇ રહી છે. દેશના ઘણા ભાગોમાં તો ગ્રાઉન્ડવોટરની સ્થિતિ બહુ ખરાબ થઇ ગઇ છે.

60 કરોડ લોકોને અસર થઇ શકે છે

નીતિ આયોગના રિપોર્ટ મુજબ આવનારા સમયમાં ભારતના 60 કરોડ લોકો પાણીની સમસ્યાથી પ્રભાવિત થઇ શકે છે. આવી સ્થિતિમાં કંગુજમનો આ પ્રયાસ બહુ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

પાણીની ક્વોલિટીમાં ભારત વિશ્વમાં તળિયે

નીતિ પંચના રિપોર્ટમાં એવો ખુલાસો પણ થયો છે કે પાણીની વૈશ્વિક ગુણવત્તા મામલે (ગ્લોબલ ક્વોલિટી ઇન્ડેક્સમાં) ભારત 122 દેશોમાં છેક 120મા સ્થાને છે. આવનારા થોડા વર્ષોમાં તો દિલ્હી, ગુડગાંવ સહિત દેશના 21 મુખ્ય શહેરમાં શુદ્ધ પાણીની અછત જોવા મળી શકે છે.

(5:44 pm IST)