Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બિહારના રાજકારણમાં ફરીથી નવો ભૂકંપઃ કોંગ્રેસના 11 ધારાસભ્‍યો પાર્ટી સાથે છેડો ફાડી શકે છેઃ બિહાર કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્‍ય ભરતસિંહનો દાવો

પટના: બિહારના રાજકારણમાં ફરીથી એક નવો ભૂકંપ આવ્યો છે. વાસ્તવમાં બિહારો કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભરતસિંહે દાવો કર્યો છે કે, કોંગ્રેસના 11 ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં જલ્દી મોટુ ભંગાણ થશે અને 11 ધારાસભ્યો પાર્ટી છોડી દેશે. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે ભરત સિંહના નિવેદનને ફગાવી દીધુ છે.

કોંગ્રેસ નેતા ભરત સિંહે કહ્યું કે, પાર્ટીના 19 ધારાસભ્યોમાંથી 11 એવા છે, જે મૂળ કોંગ્રેસી નથી, પરંતુ ચૂંટણીમાં જીતી ગયા છે. આ લોકોએ પૈસા આપીને ટિકિટ ખરીદી અને હવે ધારાસભ્ય બની ગયા છે. સંખ્યાબળની દ્રષ્ટિએે પોતાને મજબૂત કરવા માટે NDA જોર લગાવી રહી છે. કોંગ્રેસ વિધાયક દળના નેતા અજીત શર્મા પણ એવા લોકોમાં સામેલ છે, તે પાર્ટીને તોડવા માંગે છે.

કોંગ્રેસ નેતા ભરત સિંહે આરોપ લગાવ્યો છે કે, જે 11 ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માટે છે તે સૌના માર્ગદર્શન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સદાનંદ સિંહ છે. રાજ્યપાલ કોટાથી હજુ MLC નોમિનેશન થવાનું છે. સદાનંદ સિંહ અને મદન મોહન ઝા MLC બનવાની રાહ જોઈ રહ્યાં છે.

કોંગ્રેસ નેતા ભરત સિંહે કહ્યું કે, હું શરૂઆતથી જ કોંગ્રેસ-RJDના ગઠબંધનની વિરોધમાં છું. અનેક વર્ષોથી મે RJD સાથે ગઠબંધનનો વિરોધ કર્યો છે. તેમણે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સદાનંદ સિંહ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં લિપ્ત હોવાનો આરોપ લગાવ્યો છે.

અગાઉ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઈકમાન્ડને ભલામણ કરી હતી કે, તેમણે બિહારના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે. જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા પત્ર અનુસાર, ગોહિલની જગ્યા ભક્તમ ચરણ દાસને બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

(5:44 pm IST)