Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્‍સને નવા કોરોનાના કારણે ભારતનો પ્રવાસ રદ્દ કરી દેતા આ વખતે દિલ્‍હીમાં અતિથી વિશેષ વગર જ પ્રજાસત્તાક પર્વની પરેડ યોજાશે

નવી દિલ્હીઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને નવા કોરોનાને કારણે ભારતનો પ્રવાસ રદ કરી દીધો. તેથી આ વખતે કોઇ અતિથિ વિશેષ વિના ગણતંત્ર દિવસની પરેડ યોજાશે. આવું ચોથી વાર થવા જઇ રહ્યું છે, જ્યારે દેશના ગણતંત્ર દિવસે કોઇ ખાસ મહેમાન નહીં હોય.

અગાઉ 1952, 1953 અને 13 વર્ષ બાદ 1966માં ગણતંત્ર દિવસની પરેડમાં કોઇ વિદેશ મહેમાન હાજર ન હતા. બ્રિટિશ PMના નિર્ણય બાદ માહિતી મળી છે કે આ વખતે કોઇ મુખ્ય અતિથિને બોલાવવામાં આવશે નહીં.

કેટલીક વખતે બબ્બે મુખ્ય મહેમાનની હાજરી

આ વખતે કોઇ ખાસ મહેમાન દેશના મહત્વના રાષ્ટ્રીય તહેવારે આવવાના નથી. ત્યારે એવું પણ કેટલીક વખતે થયું છે, જ્યારે બબ્બે વિેદેશી મહેમાન ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહ્યા હતા. આવું 1956, 1968 અને 1974માં બન્યું હતું.

એક પ્રસંગે 10 દેશના વડા હાજર રહ્યા

એક વાર એવું પણ બન્યું છે, જ્યારે 1,2 3,4 નહીં પણ 10 દેશના પ્રમુખ ગણતંત્ર દિવસની પરેડમાં હાજર હતા. વર્ષ 2018માં 10 એશિયન દેશના પ્રમુખને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રિત કરીને ઇતિહાસ રચ્યો હતો. આ પ્રથમ વાર હતું, જ્યારે 26 જાન્યુઆરીને પરેડમાં આટલા દેશોના વડાએ હાજરી આપી હતી.

સ્થિતિ સુધરતા જોન્સન ભાર આવશે

કોરોનાના નવા વાઇરસ સ્ટ્રેનને કારણે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને 26 જાન્યુઆરીની પરેડમાં હાજરી આપવાનું ટાળ્યું છે. પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્થિતિ સુધર્યા બાદ તેઓ ભારતના પ્રવાસે જરૂર આવશે.

બ્રિટિશ પીએમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેના માટે બ્રિટિશ વિદેશ મંત્રાલયે સંમત્તિ પણ દર્શાવી દીધી હતી. પરંતુ અચાનક સ્થિતિ બગડતા બોરિસ જોન્સને પોતાનો પ્રવાસ પડતો મૂકી દીધો.

સાદગી અને કોરોના પ્રોટોકોલ સાથે સમારંભ

હાલની કોરોના મહામારીની સ્થિતિને જોતા આ વખતે રાજધાની દિલ્હીમાં એકદમ સાદગીપૂર્ણ રીતે અને કોરોના પ્રોટોકોલ સાથે 26 જાન્યુઆરીનો સમારંભ યોજવામાં આવશે.

નવા સ્ટ્રેને ભારતમાં પણ ચિંતા વધારી

કોરોનાના નવા સ્ટ્રેને ભારતમાં પણ ચિંતા વધારી છે. પરંતુ તેની બ્રિટનમાં વધુ ખરાબ હાલત છે. દરરોજ સંક્રમણ અને મોતના મામલા અગાઉના રેકોર્ડને તોડી રહ્યા છે. એ જ કારણ છે કે કોરોના વેક્સિન શરૂ થવા છતાં બ્રિટનમાં ત્રીજી વખત લોકાઉન લગાવવામાં આવ્યું છે.

(5:42 pm IST)