Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હોસ્‍પિટલ તંત્રને જાણ કરવા છતાં ન આવતા પરિવારજનોએ ભારે બરફ વર્ષામાં સગર્ભા મહિલાને સ્‍ટ્રેચરમાં સુવડાવીને 12 કિ.મી. પગપાળા ચાલીને હોસ્‍પિટલે પહોંચાડી

બારામુલ્લા: કાશ્મીરમાં હાલ ભારે બરફવર્ષા થઈ રહી છે અને આ બરફવર્ષા સ્થાનિક લોકો માટે મુસિબત બની રહી છે. ઉત્તર કાશ્મીરના બારામૂલ્લાના રફિયાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં અનેક ઈંચ બરફવર્ષા થઈ અને આ બરફવર્ષા અબ્દુલ મજીદ તથા તેમના પત્ની માટે મોટી સમસ્યા બનીને આવી.

વાત જાણે એમ છે કે અબ્દુલ મજીદના પત્ની ગર્ભવતી હતા અને ગઈ કાલે અચાનક તેમને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી. પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં તેમને લઈ જવા માટે પરિવાર પાસે કોઈ સાધન નહતું.

ત્યારબાદ વિસ્તારના લોકો જ મહિલાને સ્ટ્રેચર પર લાદીને 12 કિલોમીટર પગપાળા લઈ ગયા. હોસ્પિટલ પ્રશાસનને જાણ કરવા છતાં વિસ્તારમાં એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી. જેના કારણે ખુલ્લા આકાશ નીચે મહિલાને ભારે બરફવર્ષા વચ્ચે સ્ટ્રેચર પર  લઈ જવાઈ.

મહિલાને એક સ્ટ્રેચર પર ધાબળો બીછાવીને સુવાડવામાં આવી. કપરા રસ્તા પરથી પસાર થઈને મહિલાને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દાંગીવચ બારામુલ્લા પહોંચાડાઈ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પ્રશાસનનો કોઈ પણ ઓફિસર તેમની મદદે આવ્યો નહીં.

અબ્દુલ મજીદના પત્નીને આ દરમિયાન ઘણી મુશ્કેલીઓ પડી. પરંતુ વિસ્તારના લોકોએ તેમના પરિવાર અને તેમને 12 કિલોમીટર લાંબી મુસાફરી કરવામાં મદદરૂપ થઈ હોસ્પિટલ પહોંચાડ્યા. તેમને સફળતા મળી અને અબ્દુલ મજીદના પત્નીએ એક બાળકને જન્મ આપ્યો.

વિસ્તારના  લોકોનું કહેવું સદભાગ્ય એ રહ્યું કે બાળક અને માતા બંને સલામત છે. આ સાથે જ તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેઓએ વિસ્તારના લોકોને અનેક ચીજોથી વંછિત રાખ્યા છે. જેના કારણે ઘણીવાર આવી પરિસ્થિતિઓનો તેમણે સામનો કરવો પડે છે.

(5:41 pm IST)