Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૩ દિવસથી જમ્મુ અને કાશ્મીરમાં ભીષણ બરફવર્ષા : તબાહી મચાવી : ૨ના મોત : નેશનલ હાઈવે સહિત બધા રસ્તાઓ બંધ : વિમાન ઉડ્ડયન ખોરવાયા : સંખ્યાબંધ મકાનોને નુકશાન

જમ્મુ : (સુરેશ દુગ્ગર) બરફવર્ષાએ કાશ્મીરમાં તબાહી મચાવી છે. ૨ના મૃત્યુ થયા છે. જયારે ૨ ડઝનથી વધુ મકાનોને નુકશાન થયુ છે. જમ્મુ - શ્રીનગર નેશનલ હાઈવે સહિત તમામ રોડ - રસ્તા બંધ છે. આજે ત્રીજા દિવસે પણ વિમાન ઉડ્ડયનો પણ શકયા બન્યા નથી. છેલ્લા ત્રણ દિવસથી ભયાનક હિમવર્ષા થઈ રહી છે. જેના લીધે કાશ્મીરમાં ભયાનક તબાહી મચી ગઈ છે. મૃત્યુ પામેલ વ્યકિતઓમાં એક અર્ધ લશ્કરી દળનો જવાન પણ છે. તેના ઉપર હિમ આચ્છાદિત છત તૂટી પડી હતી. શનિવાર રાતથી ભારે વરસાદ પણ ચાલુ હતો જે મંગળવારે બંધ થઈ ગયેલ. જો કે આજે વરસાદ રોકાઈ જવા છતા ઠંડીનો ભયંકર માહોલ છે અને લો વીઝીબીલીટીને કારણે શ્રીનગરમાં સવારની બધી ફલાઈટ રદ્દ કરવામાં આવી હતી. બરફવર્ષા પછી હવે હિમસ્ખલન અને જમીનો ધસી પડવાની ચેતવીણી અપાતા જમ્મુ અને કાશ્મીરમાં ભયનો માહોલ છવાયો છે. ઘરની બહાર નહિં નીકળવા માટે ચેતવણી આપવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં આવતા ૪ થી ૫ દિવસ સુધી હિમસ્ખલન અને ભૂસ્ખલનનો ભય છવાયેલો રહેશે.

(5:18 pm IST)